સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

'વાયુ'નુ સંકટ ટળ્યુ : કચ્છમાં વરસાદની આશા નિરાશામાં

દરિયામાં કરંટ, પવન વધ્યો, લોકોને ફરી સ્થળાંતરિત કરાયા પણ ગરજેલો વાયુ કે વાદળો વરસ્યા નહીઃ છેલ્લા બે દિવસથી વાદળિયા માહોલ વચ્ચે છૂટક છૂટક ઝાપટાઓ, કંડલા, જખૌમાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, દરિયામાં ચેતવણી સૂચક ૩ નંબરનું સિગ્નલ

ભુજ, તા.૧૮:  છેલ્લા એક અઠવાડિયાથી ગાજી રહેલા વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે છેલ્લે છેલ્લે દરિયામાં થી ફરી પરત ફરેલું વાયુ વાવાઝોડું કચ્છનું દુષ્કાળનું મહેણું ભાંગીને વરસાદ રૂપે વરસશે એવી કચ્છી માડુઓની આશા નિરાશામાં ફેરવાઈ છે. ડીપ ડીપ્રેશન પછી લો બની ગયેલા વાયુ ના કારણે હવામાન વિભાગે કચ્છમાં ભારે થી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી.

કચ્છના કાંઠાળ વિસ્તારોમાં જોઈએ તો વાયુ વાવાઝોડાનો ખતરો હજી ટળ્યો ન હોવા છતાંયે લોકોમાં વાવાઝોડાની ચિંતા અને ભય વચ્ચે એક આશા હતી કે, છેલ્લા બે વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહેલા કચ્છમાં વરસાદ તો વરસશે!!! પણ, વાયુ વાવાઝોડાના કારણે વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે વરસાદ ન આવ્યો અને કચ્છી માડુઓની વરસાદની આશા અત્યારે તો નિરાશામાં ફેરવાઈ ચુકી છે. જોકે, વહીવટીતંત્ર ગઈકાલ થી જ ભારે એલર્ટ છે, અને સંભવિત ભારે વરસાદની શકયતાને પગલે તકેદારીના પગલાં ભરી રહ્યું છે. ગઈકાલે કચ્છના જખૌ, માંડવી, મુન્દ્રા અને કંડલા સહિતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. માંડવી અને પિંગલેશ્વર (અબડાસા) ના દરિયામાં તો મોજાઓ સાથે દરિયાના પાણી છેક કિનારા સુધી ફરી વળ્યાં હતા. એ જ રીતે મુન્દ્રા અદાણી બંદરે પણ મોટા મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા. પૂનમની ભરતી અને વાયુ વાવાઝોડાના ડિપ્રેશન વચ્ચે દરિયામાં અલગ જ પ્રકારનો કરંટ જોવા મળતા, વહીવટીતંત્રએ સાવચેતીના પગલાં ભરવાના શરૂ કર્યા હતા. ગઈકાલ સાંજથી જ મુન્દ્રા અને કંડલા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જખૌમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ સતત અપાઈ રહી છે. તો, માંડવી બીચ ઉપર સહેલાણીઓને પ્રવેશબંધી કરી દેવાઇ છે. કંડલામાં નીચાણવાળા વિસ્તારોમાંથી એક હજાર થીયે વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, એજ રીતે જખૌમાં પણ લોકોને સ્થળાંતરિત કરી દેવાયા છે. કચ્છના કાંઠાળ વિસ્તારોના ગામોમાં લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. વાયુ વાવાઝોડું ગઈકાલે સાંજે કચ્છના દરિયામાં ટકરાશે એવી આગાહી વચ્ચે તેની ઝડપ ધીમી પડતા મોડી રાત્રે ટકરાશે એવી આગાહી કરાઈ હતી.

જોકે, વાતાવરણમાં બદલાવ છે, ઝરમર ઝરમર વરસાદ છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે, પરંતુ વાયુ વાવાઝોડું કોઈ નુકસાન સર્જશે એવી ભીતી વચ્ચે કયાંય ચિંતા જેવું વરતાતુ નથી, તેમ છતાંયે સરકાર અને કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ છે.

(3:24 pm IST)