સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

જેતલસરના ટીંબડીમાં અકસ્માતમાં ઘાયલ વિશાલ ગોહેલનું મોતઃ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ

જેતલસરનો વિશાલ (ઉ.૧૮) ૧૦મીએ મિત્ર લલીત (ઉ.૧૭) સાથે ટીંબડી ફઇ-ફુવાના ઘરે ગયો ત્યારે હોર્ન વગાડવા બાબતે ડખ્ખો થતાં ત્રણ શખ્સોએ મારકુટ કર્યાનું ફુવા અને ભાઇનું કથનઃ સામેના બાઇકના ચાલક ખારચીયાના કાળુ સહિત ત્રણને પણ ઇજા થઇ હતીઃ વિશાલે સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડ્યો

વિશાલનો નિષ્પ્રાણ દેહ અને હત્યાનો આક્ષેપ કરનારા તેના ફુવા, ભાઇ સહિતના સ્વજનો

રાજકોટ તા. ૧૮: જેતપુરના જેતલસરમાં રહેતાં વિશાલ પ્રવિણભાઇ ગોહેલ (ઉ.૧૮) નામના વણકર યુવાન અને તેના મિત્ર લલીત રાઘવભાઇ ગોહેલ (ઉ.૧૭)ને તા. ૧૦/૬ના સાંજે જેતલસર પાસેના ટીંબડી ગામે બાઇક અકસ્માતમાં ઇજા થતાં અને સામેના બાઇકના ખારચીયાના કાળુ બાબુભાઇ બારૈયા (ઉ.૨૫), કલ્પેશ કાળુ (ઉ.૫) તથા મંજુબેન કાળુભાઇ બારૈયા (ઉ.૪૦)ને પણ ઇજા થતાં સારવાર માટે પાંચેયને જેતપુર બાદ રાજકોટ ખસેડાયા હતાં. અહિ ગઇકાલે વિશાલ ગોહેલે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો છે. તો બીજી તરફ અકસ્માત સર્જાયો એ પહેલા વિશાલ અને લલિતને ટીંબડીના જ કેટલાક શખ્સોએ હોર્ન વગાડવા બાબતે ડખ્ખો કરી મારકુટ કરી હોઇ મારને કારણે તેનું મોત થયાનો આક્ષેપ તેના ફુવા અને ભાઇએ કરતાં પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.  મૃત્યુ પામનાર વિશાલ બે ભાઇ અને અકે બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેના માતા-પિતા હયાત નથી. તે મોટા ભાઇ અને બહેન સાથે રહેતો હતો. ગયા સોમવારે તે સાંજે મિત્રને લઇ આરબ ટીંબડી ગામે રહેતાં ફુવા કિશોરભાઇ ડાયાભાઇ રાઠોડ અને ફઇ ગોૈરીબેન કિશોરભાઇ રાઠોડના ઘરે ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યાની નોંધ થઇ હતી.જો કે ફુવા કિશોરભાઇએ એવું જણાવ્યું હતું કે વિશાલ અને લલીત બાઇક લઇને નીકળ્યા ત્યારે હોર્ન વગાડવા બાબતે ટીંબડીના જ છ-સાત શખ્સોએ આ બંને સાથે ઝઘડો કરી બેફામ મારકુટ કરી હતી. મેં જ તેને છોડાવ્યા હતાં. મારકુટ કરનારા લોકોના નામ પણ મેં પોલીસને આપ્યા હતાં. અમારી જ જ્ઞાતિના આ લોકો છે. વિશાલનું મોત મારની ઇજાથી થયાનું અમારું સ્પષ્ટ માનવું છે. જેતપુર પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.

(11:46 am IST)