સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

ચોટીલા ખાતે કૃષિ મહોત્સવ યોજાયો

સુરેન્દ્રનગર :- રાજયનો ખેડૂત આર્થિક સધ્ધર બને અને તેમની ખેતી પણ સમૃધ્ધ થાય તે માટે નર્મદા યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં પીવા તેમજ સિંચાઇ માટેનું પાણી પહોંચાડવા માટે રાજય સરકારે નર્મદાના નીર ખેતર- ખેતર સુધી પહોંચાડેલ છે તેમ પાણી પુરવઠા અને પશુપાલનમંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ચોટીલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ-૨૦૧૯ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય કરી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું.

આ પ્રસંગે તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો સર્વ ર્ડા.એમ.એમ. તળપદા, ર્ડા.આર.એમ. જાવીયાએ કૃષિ વૈજ્ઞાનિકો- કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન મુજબ ખેડુત ખેતી કરી વધારે ખેત ઉત્પાદન મેળવે, બમણું ખેત ઉત્પાદન મેળવવા માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધન હાથ ધરી સુધારેલ કૃષિ બીયારણોનો જ ઉપયોગ થાય તે જરૂરી છે. રાજય સરકારની વિવિધ કલ્યાણકારી કૃષિલક્ષી યોજનાઓ અને ખેડૂત આઇ પોર્ટલ અંગે પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રી જી.સી. ભાલોડીએ આત્મા પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતાં. 

મંત્રીશ્રી બાવળીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા શ્રી કાવાભાઇ વિહાભાઇ ઉતેળીયા અને ધરમશીભાઇ બેચરભાઇ સોલંકીને રૂપિયા ૧૦ હજારનો ચેક, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતાં.

સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી. વાદીએ જયારે આભારવિધિ તાલુકા ખેતી અમલીકરણ અધિકારીશ્રી હિતેષભાઇ પાણકુટાએ કરી હતી. આ પ્રસંગે કલેકટરશ્રી કે. રાજેશ, ચોટીલા પ્રાંત અધિકારીશ્રી આર.બી. અંગારી, મામલતદારશ્રી આશિષ મીયાત્રા અગ્રણી સર્વશ્રી સુરેશ ધરજીયા, મેરૂભાઇ ખાચર, નરેશભાઇ મારૂ, શૈલેષભાઇ ઉપાધ્યાય, વિરજીભાઇ પરાલીયા, રામભાઇ મેવાડા, પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહયા હતાં.

(11:30 am IST)