સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ઝૂંપડપટ્ટીના બાળકોને અપાશે અક્ષરજ્ઞાન

બહેનોની ટીમ સકકરબાગ પાસે આવેલ ઝૂંપડપટ્ટીના બાળકોને દરરોજ અભ્યાસ કરાવશે : સેવા આપવા માગતા લોકોને સંપર્ક કરવા અનુરોધ

જૂનાગઢ તા.૧૮ : જૂનાગઢ જિલ્લામાં સમુહલગ્ન, સિલાઇ મશીન વિતરણ વૃક્ષારોપણ, ગામેગામ સમાજવાડી, ખેતીના ઉત્કર્ષ, પર્યાવરણનું જતન, જરૂરિયાતમંદ લોકોને સહાય વગેરે જેવા પરોપકારના કાર્યો કરતી સંસ્થા જૂનાગઢ જિલ્લા લેઉવ પટેલ મહિલા મંડળ દ્વારા હવે શિક્ષણનું અભિયાન હાથ ધરાયુ છે. જૂનાગઢના ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોનુ ભવિષ્ય ઉજળુ બને તેવા આશયથી હવે મહિલા મંડળની બહેનો આવા ગરીબ બાળકોને દરરોજ અભ્યાસ કરાવીને અક્ષરજ્ઞાન આપશે.

આજના સમયમાં ભણતરનું ખૂબ જ મહત્વ છે. શિક્ષણ વગર વ્યકિત, પરિવાર, સમાજ કે રાષ્ટ્રનો ઉત્કર્ષ શકય નથી. ત્યારે જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાની એક નવતર પહેલ કરાઇ છે. આ અંગે વિગતો આપતા મહિલા મંડળના માર્ગદર્શક અને સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસિયાએ જણાવ્યુ હતુ કે, આખો દિવસ કચરો વિણતા, મજૂરીકામ કરતા અને પરિવારના બે છેડા ભેગા કરવા મહેનત કરતા લોકો બિચારા પોતાના બાળકોના અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. ત્યારે આવા લોકોના બાળકોનું ભવિષ્ય ધુંધળુ ન બને અને વારસામાં મજૂરીકામ ન મળે તેવા આશયથી મહિલા મંડળના બહેનો શિક્ષણકાર્ય કરાવશે. જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવુ એ જ સાચો માનવધર્મ છે.

મહિલા મંડળના પ્રમુખ પ્રીતીબેન બી.વઘાસીયાએ જણાવ્યુ છે કે વિદ્યાદાન એ સૌથી મોટુ દાન છે. શિક્ષિત વ્યકિતઓ નિરક્ષર લોકોને શિક્ષણ આપે તે તેમની પવિત્ર ફરજ છે. ત્યારે રોજીંદાકાર્યોમાંથી સમય કાઢી શિક્ષિત બહેનો દ્વારા દરરોજ નિયમિત રીતે ઝુંપડપટ્ટીના બાળકોને અભયાસ કરાવી તેમના ઉજળા ભવિષ્યનું સર્જન કરશે. આ કાર્યમાં મંજુબેન પટેલ, હર્ષાબેન, કોમલબેન વગેરે બહેનોની ટીમ સેવા આપશે. હજુ પણ કોલ બહેનોને આ ઉમદા કાર્યમાં ભાગ લેવો હોય તો સાથે જોડાઇ શકે છે. બાળકોને અભ્યાસ કરાવવાની સાથે જરૂરી એવી શૈક્ષણિક વસ્તુઓ સ્કુલબેગ, પેન, સ્લેટ, નાસ્તો, યુનિફોર્મ વગેરે પણ અપાશે.

આ કાર્યમાં સહયોગ આપવા માગતા લોકોએ પ્રીતીબેન બી. વઘાસીયા મો. ૭૯૯૦૩ ૪૯૨૫૪, મંજુબેન પટેલ મો. ૯૮૯૮૪ ૪૩૬૪૬ અને હરસુખભાઇ વઘાસિયા મો. ૮૪૬૯૭ ૬૮૪૪૮ પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

(11:29 am IST)