સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th June 2018

મોરબીમાં રાજકોટના ખીસ્સા કાતરૂ મહેશની હત્યાઃ ભાગબટાઈ મુદ્દે વાંધો પડતા બે સાથીદારોએ છરી ઝીંકી ઢીમ ઢાળી દીધું

બસ સ્ટેશન પાસે ૧૧૦૦૦ની રોકડ સાથેના પર્સની ઉઠાંતરી કર્યા બાદ અજય નેપાળી અને એલીયન્સને ૧૦૦૦ - ૧૦૦૦ રૂપિયા જ મળતા સાથીદાર મહેશને પતાવી દીધોઃ બન્ને સકંજામાં

રાજકોટ, તા. ૧૮ :. મોરબીના શોભેશ્વર રોડ પર તિક્ષ્ણ હથીયારના ઘા મારી અજાણ્યા યુવકની હત્યા કરાયાની ઘટનામાં મૃતક યુવાન રાજકોટનો ખિસ્સા કાતરૂ મહેશ હોવાનું અને તેને તેના બે સાગ્રીતોએ પતાવી દીધાનું ખુલ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ પર યોગીનગર સોસાયટીમાં અજાણ્યા યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા બી-ડિવીઝનના પી.આઈ. આર.કે. ઝાલા ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ થતા ડીવાયએસપી ચૌધરી, એલસીબીના પીએસઆઈ આર.ટી. વ્યાસ તથા એસઓજીના પી.આઈ. સલીમ સાટી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

દરમિયાન મોરબી એલસીબીના પીએસઆઈ આર.ટી. વ્યાસ તથા સ્ટાફે આ અજાણ્યા યુવકની હત્યા કરનાર અજય નેપાળી તથા એલીયન્સ કોળીને દબોચી લીધા હતા. પકડાયેલ બન્નેએ પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે, હત્યાનો ભોગ બનનાર મહેશ સહિત ત્રણેયે બસ સ્ટેન્ડમાં ૧૧૦૦૦ની રોકડ સાથેના પર્સની ઉઠાંતરી કરી હતી. ત્યાર બાદ હત્યાનો ભોગ બનનાર મહેશે તેના બન્ને સાગ્રીતોએ દારૂ પીધો હતો ત્યાર બાદ મહેશે તેના સાગ્રીતો અજય નેપાળી તથા એલીયન્સ કોળીને ૧૦૦૦ - ૧૦૦૦ રૂ. જ આપતા બન્ને ઉશ્કેરાયા હતા અને મહેશને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મહેશ અને તેને પતાવી દેનાર અજય નેપાળી તથા એલીયન્સ કોળી ખીસ્સા કાતરૂ છે. ત્રણેય રાજકોટ જૂના યાર્ડ પાસે રહેશે અને ત્યાં જ નાની મોટી પર્સ ઉઠાંતરી અને ચોરી કરે છે. આ ત્રણેય ગઈકાલે મોરબીમાં પર્સની ઉઠાંતરી કર્યા બાદ ભાગબટાઈ મુદ્દે વાંધો પડતા અજય નેપાળી અને એલીયન્સ કોળીએ મહેશને પતાવી દીધો હતો.

હત્યાનો ભોગ બનનાર મહેશનું આખુ નામ પોલીસને જાણવા મળેલ નથી અને તેના બન્ને સાગ્રીતો પણ વાલી વારસો વિશે કંઈ જાણતા નથી. પોલીસે મહેશના વાલી-વારસોની શોધખોળ હાથ ધરી છે.(૨-૬)

 

(11:49 am IST)