સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

મોરબી: લ્યો બોલો વેકેશનમાં શાળાના તાળા તોડી તસ્કરો વાસણ અને રમતગમતના સાધનો ચોરી ગયા!!

નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના ઠામ વાસણ અને રમત ગમતના સાધનો સહિત 10 હજારથી વધુની ચોરી

મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે તસ્કરોએ તરખાટ મચાવી વેક્શનને કારણે બંધ રહેલ પ્રાથમિક શાળાના તાળા તોડી મધ્યાહન ભોજન યોજનાના ઠામ વાસણ તેમજ રમત – ગમતના સાધનો સહિત રૂપિયા 10,830ની માલમતાની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડિયા પ્રાથમિક શાળા હાલમાં વેકેશનને કારણે બંધ હોય તસ્કરોએ શાળાને નિશાન બનાવતા શાળાના આચાર્ય નયનભાઇ હીંમતભાઇ ભોજાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તસ્કરો ગત તા.7થી 17 દરમિયાન શાળાના મધ્યાહન ભોજનના રસોડા તથા મોટરવાળા રૂમમા રાખેલ સ્ટીલની થાળીઓ નંગ.265, કુકર નંગ.1, તપેલુ નંગ.1, ભાતીયા નંગ.5, ડોયો મોટો નંગ-1, નાના ડોયા તથા ચમચી નંગ-10, ટીનની ડોલ નંગ-1, પ્લાસ્ટીકની ડોલ નંગ-1, ઇન્ડીયન ગેસનો બાટલો નંગ-1, તથા રમતગમતના સાધનોમાં લાકડાનુ કેરમ, લોખંડના બેડમીન્ટન પોલ, લોખંડનો વોલીબોલ પોલ, બેટ, સ્ટમ્પ, વોલીબોલ મળી કુલ રૂપિયા 10,830ની ચોરી કરી ગયા હતા.
પોલીસે મોરબી રહેતા શાળાના આચાર્ય નયનભાઈની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:07 pm IST)