સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

પોરબંદરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક નાથાભાઇ ઓડેદરા 'આપ'માં જોડાય તેવો ગોઠવાતો તખ્તો....?

પરિવર્તન યાત્રાના આગમન બાદ ઇશુદાન ગઢવી સાથે ખાનગી બેઠક કરી હોવાની ચર્ચાઃ કીર્તિ મંદિરમાં 'આપ'ના આગેવાનો સાથે જોવા મળ્યા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. થોડા સમય પહેલા કોંગ્રેસના નવા નિયમ મુજબ જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ આપીને પોરબંદર - રાણાવાવ - કુતિયાણા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક અને કોંગ્રેસમાંથી ટીકીટની માગણી કરનાર નાથાભાઇ 'આપ' માં જોડાય તેવો તખ્તો ગોઠવાય રહ્યાની ચર્ચા થઇ રહી છે.

કેટલાંક દિવસોથી ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ કરીને લોકોના પ્રશ્ન જાણીને સંબંધિત સરકારી કચેરીઓમાં રજૂઆત કરીને લોકોને ન્યાય આપતા કોંગ્રેસ આગેવાન નાથાભાઇ ઓડેદરા આગામી વિધાનસભાની ચૂંટણી પોરબંદર - રાણાવાવ તથા કુતિયાણા તાલુકાઓમાંથી લડવા ઇચ્છા દર્શાવીને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ટીકીટની માગણી કરી હતી.

કોંગ્રેસ પક્ષના  નવા નિયમ મુજબ નાથાભાઇ ઓડેદરાએ વિધાનસભાની ચૂંટણી લડવા માટે નિયમ મુજબ તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદેથી થોડા સમય પહેલા રાજીનામુ ધરી દીધુ હતું. તાજેતરમાં 'આપ' ની પરિવર્તન યાત્રા પોરબંદરમાં આવી ત્યારે 'આપ' ના ઇશુદાન ગઢવી સહિત આગેવાનો કીર્તિ મંદિરમાં પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરવા ગયેલ ત્યારે તેમની સાથે કોંગ્રેસના આગેવાન નાથાભાઇ ઓડેદરા દેખાતા અનેક તર્ક વિર્તકો શરૃ થયેલ છે.

આપના આગેવાનો કીર્તિ મંદિરમાં પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ જે ગેસ્ટ હાઉસમાં 'આપ'ના આગેવાનો ઉતર્યા છે ત્યાં પણ નાથાભાઇ સાથે ગયેલ અને ખાનગી મીટીંગ કરી હોવાનો ગેસ્ટ હાઉસની આસપાસ ગણગણાટ શરૃ થયેલ હતો. 'આપ'ના આગેવાનો સાથે જોવા મળેલા કોંગ્રેસના  આગેવાન નાથાભાઇની કોંગ્રેસ તરફ નારાજગી હોવાનું ચિત્ર ખડુ થયું છે તેવી ચર્ચા છે.

જો કે નાથાભાઇ 'આપ' માં જોડાશે તે અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી. નાથાભાઇ ઓડેદરા 'આપ'માં જોડાય તેવો તખ્તો ગોઠવાય રહ્યાની ચર્ચા થઇ રહી છે.

(1:36 pm IST)