સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

મોરબીમાં કામગીરીની સમીક્ષા કરતા મંત્રી યોગેશભાઇ

મોરબી : તાઉતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં રાહતલક્ષી થયેલી પૂર્વ કામગીરીનું નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ સૂક્ષ્મ નિરીક્ષણ કરીને જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું .

મોરબી કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાના અધિકારીઓ દ્વારા વાવાઝોડા સંદર્ભે કરાયેલી કામગીરી અંગે સંતોષ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ  સરકારના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. સંભવિત વાવાઝોડાની અસર ન થાય તે માટે દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્‍તારો, શહેરના નીચાણવાળા વિસ્‍તારો તથા ખાડી વિસ્‍તારોમાંથી અસરગ્રસ્‍તોનું આશ્રય સ્‍થાનો ખાતે સ્‍થળાંતર કરીને રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા માટે અધિકારીઓએ જહેમત ઉઠાવી અધિકારીઓ, કર્મચારીઓ તથા સાથે સાથે સેવાભાવી લોકો પણ આપત્તિના સમયમાં સતત ફરજ બજાવી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. આ સાથે મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કરતા જણાવ્‍યું કે, કોવિડ હોસ્‍પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ને જરૂરિયાત મુજબની તમામ સારવાર, દવા, જોઈતું પૂરતું ઓક્‍સિજન મળી રહે તે માટે કરાયેલી વ્‍યવસ્‍થાની પણ સમીક્ષા થઈ હતી

        બેઠકમાં પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રા, મોરબી માળીયા ધારાસભ્‍યશ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી જયરાજસિંહ જાડેજા, કલેક્‍ટરશ્રી જે.બી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પોલીસ અધિકક્ષકશ્રી એસ.આર. ઓડેદરા, અધિક નિવાસી કલેક્‍ટરશ્રી કેતન જોશી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અહેવાલઃ ઘનશ્‍યામ પેડવા

માહિતી બ્‍યૂરો, મોરબી

(12:40 pm IST)