સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

મોરબીમાં એલઇડી લગાવનાર કંપનીનું નગરપાલિકા પાસે ૨ કરોડનું માંગણુ

મોરબી તા. ૧૮ : મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં એલઇડી લાઈટો નાખવા માટે કંપની સાથે કરેલ કરારને પગલે કંપનીએ લાઈટો નાખવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. જોકે બાદમાં સવા વર્ષ જેટલા સમયથી કંપનીને પેમેન્ટ મળ્યું નથી અને સ્થાનિક અધિકારી ધ્યાન ના આપતા ઉપરથી આવેલા પ્રેશર બાદ હવે બીલ પાસ કરવાની હિલચાલ કરવામાં આવી રહી છે.

મોરબી નગરપાલિકાના આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૬ માં એલઇડી લાઈટો નાખવા માટે કરાર કરવામાં આવ્યા હતા જે કરારની મુખ્ય શરત એવી હતી કે નગરપાલિકાને વીજબીલમાં અગાઉ કરતા જેટલી બચત થાય તેના ૬૦ ટકા રકમ કંપનીને આપવાની રહેશે લાઈટો નાખવાની અને મેન્ટેનંસની જવાબદારી કંપની સંભાળશે જે કરાર મુજબ ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં EESL નામની કંપનીએ શહેરમાં નક્કી થયા મુજબ એલઈડી લાઈટો નાખવાની કામગીરી પૂર્ણ કરી હતી અને જાન્યુઆરી ૨૦૧૮ થી બીલો મુકવાની શરૂઆત કરવામાં આવી હતી અને પંદર માસથી વધુનો સમય વીતી ગયો છે ત્યારે કંપનીનું માંગણું પોણા બે થી બે કરોડ સુધી પહોંચ્યું છે પરંતુ હજુ સુધી ચુકવણું કરવામાં આવ્યું નથી જે મામલે કંપનીએ ગાંધીનગર કરેલી રજુઆતોને પગલે ઉપરી અધિકારીઓનું પ્રેશર આવ્યું છે અને ચીફ ઓફિસર દ્વારા હાલ ૩૦ લાખથી વધુની રકમનું બીલ પાસ કરવા હિલચાલ કરી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહયા છે.

અંદાજે બે કરોડનું પેમેન્ટ કેમ અટકયું ?

પેમેન્ટ અટકાવ મામલે પાલિકાના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપની સાથે થયેલ કરાર મુજબ જે વીજબીલની બચત થાય તેના ૬૦ ટકા ચુકવણું કરવાનું થાય છે. જોકે કંપનીએ આ મુદે સ્પષ્ટતા કરી નથી જેથી ચીફ ઓફિસરે બીલો અટકાવ્યા છે અને કંપની સ્પષ્ટતા કરે બાદમાં જ પેમેન્ટ ચુકવવાની કાર્યવાહી કરાશે.

ઙ્ગહાલ ૩૦ લાખથી વધુનું ચુકવણું કેમ કરાશે ?

પોણા બે થી બે કરોડની રકમ ચુકવણી ના કરવાનો સત્તાધીશોના નિર્ણય છતાં હાલ ઉપરથી આવેલા પ્રેશરને લીધે ૩૦ લાખથી વધુની રકમ કંપનીને ચુકવવામાં આવી રહી છે કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવાના પ્રયાસોમાં માહિતી મળી હતી કે ખાનગી કંપનીને લાઈટો લગાવવા ઉપરાંત મેન્ટેનંસની કામગીરી સોપી છે અને લાઈટો ફીટ થયાને સવા વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે જેથી મેન્ટેનંસ અટકી ના જાય તેથી આ ચુકવણું કરાઈ રહ્યું છે.

કર્મચારીઓ અને કંપની બંનેની બેદરકારી

લાઈટો લગાવવા માટેનો કોન્ટ્રાકટ કરનાર કંપનીએ વીજબીલની બચતના ૬૦ ટકા રકમ ચુકવવા માટે કરાર કર્યો છે પરંતુ બીલ તે પ્રમાણે મોકલાય છે કે નહિ તે સ્પષ્ટ કર્યું નથી બીજી તરફ પાલિકાના અધિકારી દ્વારા ઇલેકિટ્રક વિભાગને બીલો અંગે તપાસ કરવા જણાવ્યું હતું જોકે તેને પણ કામગીરીમાં બેદરકારી દાખવી હોય અને કોઈ તપાસ કરી ના હોય જેથી કરાર મુજબ જ બીલ આવે છે કે ઓછું અથવા વધારે તે નક્કી થઇ શકયું નથી જેથી મામલો વધુ ગૂંચવાયો છે તેવું સુત્રો જણાવી રહ્યા છે.(૨૧.૧૫)

(1:22 pm IST)