સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

IDBI બેંકલોન કૌભાંડમાં જેન્તી ડુમરાને CID ક્રાઇમ દ્વારા ભુજ કોર્ટમાં રજૂ કરાયો- ૫ દિ'ના રિમાન્ડ મંજુર

ભુજ, તા.૧૮: ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ઝડપાયેલા રાજકીય આગેવાન જેન્તી ડુમરાની IDBI બેંક લોન કૌભાંડમાં ધરપકડ કરાયા બાદ આજે ભુજ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરાઈ હતી. સીટની ટીમ દ્વારા જેન્તી ભાનુશાલીની હત્યામાં છબીલ પટેલ બાદ જેન્તી ડુમરાની સંડોવણી ખુલ્યા બાદ ધરપકડ કરી જેલ હવાલે કરાયા બાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા જેન્તી ડુમરાની વિરુદ્ઘ જયારે IDBI  બેંકની બળદિયા શાખામાંથી વિંઝાણ ગામના મૃત મહિલા વૃજકુંવરબા જાડેજાના નામે ૮૨ લાખની લોન લેવાની ફરિયાદ દાખલ કરાઈ ત્યારે જ એવી ચર્ચા શરૂ થઈ હતી કે હવે જેન્તી ડુમરાની મુશ્કેલીઓ વધી શકે છે. સીઆઇડી ક્રાઇમે જેન્તી ઠકકર ડુમરાવાળા સામે ગઈકાલે ગુનો દાખલ કર્યા બાદ આજે ભુજ કોર્ટમાં રજૂ કરી ૧૫ દિ'ના રિમાન્ડની માંગણી કરી હતી, પણ કોર્ટે ૫ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. IDBI બેંકને સાંકળતા આ લોન કૌભાંડનો આક ૭.૮૨ કરોડનો થવા જાય છે. ૭ પાકિસ્તાની શરણાર્થીઓના નામે ૧-૧ કરોડ રૂપિયાની લોન લેવાઈ છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં અન્ય ૪ આરોપીઓ પણ સામેલ છે.

(11:54 am IST)