સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th April 2019

કચ્છમાં આચારસંહિતા ભંગની ૬૦ ફરિયાદોઃ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોને હિસાબો માટે ત્રીજી વાર નોટિસ

ભુજ, તા.૧૮: લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છમાં આદર્શ આચારસંહિતા અંતર્ગત ૬૦ ફરિયાદો અત્યાર સુધીમાં મળી હોવાનું નોડલ ઓફિસર મેહુલ જોશીએ જણાવ્યું છે. સીવીજીલ એપ મારફતે ૩૯ ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોનો નિકાલ કરી દેવાયો હોવાનું નોડલ ઓફિસર શ્રી જોશીએ જણાવ્યું છે. સીવીજીલ એપ દ્વારા મળેલી ૧૦ ફરિયાદોમાં તથ્ય ન હોઈ તેમને બ્લોક કરી દેવાઈ હતી. જયારે અન્ય ૨૧ ફરિયાદોમાં પોસ્ટર અંગેની અને વર્ષોથી એક જ જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓની રાવ હોવાનું જણાવાયું છે. આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં કોઈ મોટી ફરિયાદ મળી નથી. જયારે ઉમેદવારોના હિસાબ અંગે સતત ત્રીજી વાર ખુલાસો માંગવામાં આવ્યો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે ચુંટણી ખર્ચની વિસંગતતા અર્થે હિસાબ ઉપર દેખરેખ રાખતા નોડલ ઓફિસરો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી તેમ જ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને સતત ત્રીજી વખત હિસાબના ખુલાસા માટે નોટિસ આપવામાં આવી છે.

(12:14 pm IST)