સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

મોરબીમાં ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

મોરબી,તા. ૧૮: મોરબીમાં પેઇન્ટ્સની દુકાનેથી ઉદ્યારે લીધેલ કલરના માલના પેટે આપેલો રૂ. ૧.૯૦ લાખનો ચેક બાઉન્સ થયાનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમજ રૂ.૧.૯૦ લાખથી ડબલ રૂ.૩.૮૦ લાખની રકમ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે અને આરોપી કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે

મળતી માહિતી મુજબ મોરબીમાં પટેલ પેઇન્ટ્સ નામની દુકાન ચલાવતા વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજાની દુકાનેથી સરકારી કામોના કોન્ટ્રાકટ રાખતા ઠાકરશીભાઈ જીવરાજભાઈ લિખિયા અગાઉ પોતાની સાઇટમાં કલર કામ કરવા માટે વારંવાર માલ ખરીદીને લઈ જતા હતા. જેથી તેમણે આ માલની ખરીદીના બાકી દેવાના નીકળતા કુલ રૂ.૧.૯૦ લાખનો ચેક દુકાનદાર વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજાને આપ્યો હતો. પણ બેકમાં આ ચેક બાઉન્સ થયો હતો. આરોપીના ખાતામાં પૈસા ન હોવાથી ચેક રિટર્ન થયાની જે તે વખતે દુકાનદાર વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજાએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ ચેક રિટર્નનો કેસ મોરબી ચીફ જયૂડી. મેજી. કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે રોકાયેલા વકીલ સી.પી.સોરીયા તથા એસ કે પરમાર ની ધારદાર દલીલો અને આરોપી વિરુદ્ઘ રજૂ થયેલા પુરાવાના આધારે કોર્ટે આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવીને તેને એક વર્ષની સજા ફટકારી હતી. તેમજ ચેક રિર્ટન થયેલાની રકમ રૂ.૧.૯૦ની ડબલ ગણી એટલે રૂ.૩.૮૦ લાખની રકમ ૯ ટકાના વ્યાજે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જો કે આરોપી કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેની સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં અવાયું હતું.

(1:42 pm IST)