સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

લૂંટના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર ચડ્ડી-બનીયાનધારી ગેંગના સાગરીત મુકેશને ઝડપી લેતી એલસીબી

એલસીબીના પીઆઇ એ.આર.ગોહીલની રાહબરી હેઠળ મુકેશ મોહનીયાને શાપર વેરાવળમાંથી દબોચ્યો

રાજકોટ, તા.૧૮: હિંમતનગરના પ્રાંતીજ પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગરીતને એલસીબીની ટીમે શાપર-વેરાવળમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રૂરલ એસ.પી.બલરામ મીણાએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા એલસીબીના પીઆઇ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.એમ. કોલાદરા, હેડ કોન્સ રવીદેવભાઇ બારડ, અમીતસિંહ જાડેજા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, કોન્સ પ્રકાશભાઇ પરમાર તથા ભાવેશભાઇ મકવાણા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ રવિદેવભાઇ, બાલકૃષ્ણભાઇ, પ્રકાશભાઇને મળેલી બાતમીના આધારે શાપર-વેરાવળ જીઆઇડીસી વિસ્તારમાંથી ચડ્ડી બનીયાનધારી લૂંટારૂ ગેંગના સાગરીત મુકેશ બીયાભાઇ મોહનીયા (ઉ.વ.૩૦) (રહે. બીલીયા પટેલ ફળીયુ ધાનપુર, દાહોદ હાલ મુંજકા ગામ તા.રાજકોટ) ને પકડી લીધો હતો. પકડાયેલો મુકેશ ધાનપુરમાં મારામારી તથા ધમકીના ગુનામાં અને હીંમતનગરના પ્રાંતીજ પોલીસ મથકમાં લૂંટના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી ફરાર હતો.

(1:39 pm IST)