સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

હળવદઃ ગૌવંશ પર હુમલા કરનાર બે આરોપીઓની પાસા હેઠળ ધરપકડ

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૮: હળવદ પંથક હમણાથી નિર્દોષ અને અબોલ ગૌવંશ ઉપર અમાનુષી અત્યાચારથી ખળભળી ઉઠ્યું હતું. પોલીસનો કે કાયદાનો કશો જ ડર ન હોય તેમ નરાધમો એટલી હદે બેફામ બન્યા હતા કે છેલ્લા થોડા સમયથી દિવસ ઉગેને કોઈને કોઈ ગામમાં ગૌવંશ ઉપર હુમલાની દ્યટના સામે આવતી હતી. જેમાં કોઈ ગામમાં ગૌવંશ ઉપર એસિડ એટેક કે કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલા કે ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવો સામે આવતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. દરમ્યાન હળવદના માથક ગામે થોડા દિવસો અગાઉ ગૌવંશ ઉપર હુમલાના બનાવમાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.

આથી, ગૌવંશ કે કોઈ અબોલ પશુઓ ઉપર નિર્દયી હુમલા કરતા પહેલા નરાધમોના હાથ કંપી ઉઠે તે માટે પોલીસે આ બન્ને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ગૌવંશના હુમલાના આ બંને આરોપીને પાસા કરવાની જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત ઉપર કલેકટરે મંજૂરીની મહોર મારતા પોલીસે ગૌવંશ પરના હુમલાના બે આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરી હતી. જેમાં એક આરોપી રાજુ ભીમલાભાઈ નાયકને સુરત લાજપોર જેલમાં તેમજ બીજા આરોપી બકા રૂપાભાઈ નાયકને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો.

(12:06 pm IST)