સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

સુરેન્‍દ્રનગરમાં કોરોના રસીકરણનો પ્રારંભ

સુરેન્‍દ્રનગર : કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાન જેના ભાગરૂપે સુરેન્‍દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટરશ્રી એસ.કે. હુડ્ડાએ રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.કે. હુડ્ડાએ સુરેન્‍દ્રનગર જિલ્લામાં રસીકરણ અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા આરોગ્‍ય વિભાગના કર્મયોગીઓને શુભેચ્‍છા પાઠવીને જણાવ્‍યું હતું કે, જિલ્લામાં આજથી ત્રણ સેન્‍ટરો પરથી વેક્‍સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં એક સેન્‍ટર પરથી ૧૦૦ આરોગ્‍ય કર્મીઓને  રસી આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, સી.યુ.શાહ મેડિકલ કોલેજ ઉપરાંત મહાત્‍મા ગાંધી જનરલ હોસ્‍પિટલ- સુરેન્‍દ્રનગર તેમજ આર. આર. હોસ્‍પિટલ- લીંબડી ખાતેથી પણ આરોગ્‍ય કર્મીઓને રસી આપવામાં આવશે. સૌરાષ્ટ્ર મેડિકલ સેન્‍ટરના ચેરમેન  ડો. જીતેન્‍દ્ર સંઘવીએ સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનો માટેના સારા કાર્યમાં સહભાગી થવા માટે જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો તેમજ વેક્‍સિન અંગે ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને દરેક વ્‍યક્‍તિને વેક્‍સિન લેવા માટે અનુરોધ કર્યો હતો. મેડિકલ સર્વિસના એડિશનલ ડિરેક્‍ટર ડો. ભાવસારે જણાવ્‍યું હતું કે, સિરમ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ દ્વારા તૈયાર થયેલ કોવીશીલ્‍ડ વેક્‍સિન પ્રાથમિક તબક્કામાં કોરોના વોરિયર્સ એવા આરોગ્‍ય કર્મીઓને આપવામાં આવશે. જેમાં પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવશે. જિલ્લામાં સૌરાષ્ટ્ર મેડિકલ સેન્‍ટરના ચેરમેન  ડો. જીતેન્‍દ્ર સંઘવીને સૌપ્રથમ રસી આપવામાં આવી હતી જેમને કલેકટર દ્વારા રસી લીધેલ હોવાનો ટીકો લગાવવામાં આવ્‍યો હતો. કોલેજના ડીન ડો. રીનાબેન ગઢવીએ સ્‍વાગત પ્રવચન તેમજ  કોલેજના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. રૂપમ  ગુપ્તાએ આભારવિધિ કરી હતી. મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી પી.કે. પરમાર, પ્રાંત અધિકારી અનિલ ગોસ્‍વામી સહિત મેડિકલ કોલેજના અધિકારી- કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો તે તસ્‍વીર.

(11:06 am IST)