સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

ચોટીલા અને થાનગઢ પંથકમાં નર્મદાની લાઇનમાં પાણીની ચોરીઃ ૨પથી વધુ લોકો ઝપટે ચડી ગયા

એસ.આર.પી.ને સાથે રાખી પાણી પુરવઠા વિભાગનું ચેકીંગઃ ૨૦ લાખથી વધુનો દંડ ફટકારાશે

ચોટીલા, તા.૧૮: ચોટીલા અને થાનગઢ પંથકમાં પીવાનાં પાણીની નર્મદાની લાઈનમાં મોટી પાણી ચોરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એસ આર પી સાથે રાખી તંત્ર એ ચેકિંગ હાથ ધરાતા ૨૫ થી વધુ લોકો ઝપટે ચડી ગયા છે આ તમામને ૦ લાખથી વધુનાં દંડ સાથે નોટીસ ફરકારવામાં આવશે.

ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં પીવાના પાણીની પસાર થતી નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતા ૨૫દ્મક વધુ ઇસમો ઝડપાતા તંત્ર ચોંકી ઉઠયું હતું એસ આર પી ને સાથે રાખી પાણી પુરવઠા વિભાગ ઓચિંતુ ચેકિંગ હાથ ધરતા પાણી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ થી ચોટીલા થાનગઢ ગ્રામ્ય વિસ્તારોમાં જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગામડાઓમાં પુરતુ પાણી નહી પહોંચવા પાછળ અનેક સ્થળોએ મોટા પાયે થતી પાણી ચોરી જવાબદાર હોવાની ઉઠેલી ફરિયાદ બાદ પણ ખાનગી રાહે હકીકત મેળવી ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં તંત્રએ સ્પેશ્યલ ડ્રાઇવ કરતા મોટી પાણી ચોરી ઝડપાઈ ગયેલ છે

થાનગઢ તાલુકાનાં અમરાપર, નવાગામ, સારસાણા, અભેપર, ચોટીલા તાલુકાનાં નાના પાળીયાદ, ઢોકળવા, ધારૈઇ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સુરેન્દ્રનગર ઇન્ટરગ્રેટર ફેઇઝ ૨ ધોળીધજા આધારીત જીલ્લાના ગામડાઓમાં પીવાનાં પાણી માટે જતી નર્મદા યોજનામાં કામ કરતા એન્જીનીયર ટી. એમ. મકવાણા અને તેમની ટીમે એસઆરપી ને સાથે રાખી ડ્રાઇવ ગોઠવવામાં આવેલ જેમાં પાણીની લાઈનમાં અલગ અલગ નુસખાઓ થકી છેલ્લાં ધણા સમયથી ચાલતી પાણી ચોરી ઝડપાઈ જવા પામેલ છે. પકડાયેલ પાણી ચોરીમાં થાનગઢ ની ગુરૂ કૃપા સિરામિકસ ઇન્ડસ્ટ્રીમાં ૮૦૦ મીટર સુધીની લાઇન નાખેલ મળી આવેલ હતી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો દ્વારા કરાતી પાણી ચોરી ઝડપાયેલ જેમા થાન પંથકનાં ૧૩,ચોટીલાના નાના પાળીયાદનાં ૬, ઢોકળવા ધારૈયમાં ૫ વ્યકિતઓને પકડી પાડેલ હતા

આ અંગે પા. પુ વિભાગે જણાવેલ કે પાણી ચોરી કરતા પકડાયેલ લોકો ને હાલનાં તબક્કે કુલ મળી ૨૦ લાખ થી વધુ દંડ ભરવા તેમજ ફરી પાણી ચોરી ના કરે તેવી તાકીદ સાથે નોટીસ આપવાની કાર્યવાહી કરી છે અને આવતા સમયમાં જો આ લોકો નહી અટકે તો ફોજદારી ગુનો પણ દાખલ કરાવવામાં આવશે તેમ જણાવેલ છે.

(3:38 pm IST)