સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

લોધીકા તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા કિસાનોની માંગણી

લોધીકા, તા., ૧૮: લોધીકા તાલુકામાં છેલ્લા ત્રણ-ત્રણ વર્ષ થયા અપુરતો વરસાદ પડેલ છે. આ વર્ષે પણ વરસાદને અભાવે દુષ્કાળની સ્થિતિ સર્જાયેલ છે. ત્યારે સરકાર દ્વારા તાલુકાને હજુ સુધી દુષ્કાળ ગ્રસ્ત જાહેર ન કરાતા કિસાનોમાં રોષની લાગણી ફેલાયેલ છે.

આ અંગે કિસાનોમાંથી થયેલ રજુઆત મુજબ તાલુકા પર કુદરત રૂઠી હોય તેમ છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી અહીં વરસાદ ઓછો પડે છે. જેથી ખેડુતોનો પાક નિષ્ફળ જાય છે. ઘાસચારા, પાણી વિગેરેની સમસ્યા થયેલ છે. જયારે રાજય સરકાર દ્વારા રાજયમાં અપુરતો વરસાદ થયેલ હોય તેવા તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. જેમાં લોધીકા તાલુકાનો સમાવેશ નહી થતા કિસાનોમાં રોષની લાગણી ફેલાયેલ છે. લોધીકાના ૩૮ ગામો પૈકી અનેક ગામોમાં પાંચ ઇંચથી પણ ઓછો વરસાદ પડેલ છે તે વિસ્તારમાં પાક નિષ્ફળ ગયેલ છે. ખેડુત દેવાના ડુંગર તળે દટાયેલ છે. ઉછી ઉધારા તથા બેંક ધિરાણ લેનારા ખેડુતો મુશ્કેલી ભોગવી રહયા છે. અધુરામાં પુરૂ બેંક તરફથી પણ લેણા વસુલવા નોટીસો ફટકારવામાં આવે છે. પાણીના અભાવે શિયાળુ પાક પણ થઇ શકે તેમ ન હોવાથી પરપ્રાંતથી સેંકડો મજુરો હિજરત કરી રહયા છે. તો માલધારી વર્ગ પણ પાણી-ઘાસચારાના અભાવે પોતાના મહામુલા ઢોરને લઇ ચિંતામાં મુકાયા છે. આવી પરિસ્થિતિ તાલુકાની હોવા છતા આશ્ચર્યની બાબત તો એ છે કે લોધીકાની બાજુના તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે ત્યારે લોધીકા માટે તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન કેમ? તેવો પ્રશ્ન કિસાનોમાં ઉઠેલ છે. લોધીકામાં નજીકમાં કયાંય મોટા તળાવ-ડેમ નથી કુંવા-ડંકી-ઘરમાં પાણી નથી, ઘાસચારાની વિકટ પરિસ્થિતિ છે. પાક નિષ્ફળ ગયેલ છે. આ બધી પરિસ્થિતિ સમજી સરકાર દ્વારા તાલકુાને તુરત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ચાંદલીના કિસાન દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, લોધીકાના વિનુભાઇ ઘેટીયા, કોઠા પીપળીયાના લિીપભાઇ ઘીયાળ, જેતાકુબાના રતીભાઇ ખુટ, આંબાભાઇ રાખૈયા, સબળસિંહ જાડેજા, વલ્લભભાઇ સાવલીયા, ગોબરભાઇ રાક વગેરે કિસાનોએ રજુઆત કરી છે.

(11:50 am IST)