સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

વિંછીયાના ગોરૈયા પાસેથી દેશી બંદુક-કાર્ટીસ સાથે નડાળાનો ચાંપરાજ ખાચર પકડાયો

રૂરલ એલસીબીનો દરોડોઃ ચાંપરાજ અગાઉ સાયલા પોલીસ પંથકમાં મારામારી, દારૂના ગુનામાં પકડાયો'તોઃ વિંછીયાના મોઢુકામાં હત્યાના : ગુનામાં પણ સંડોવાયેલો હતોઃ વંથલીના રવની ગામના નામચીન જુસબ સાંઘ પાસેથી હથિયાર લીધાની કબુલાત

રાજકોટ, તા. ૧૮ :. વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ પાસેથી રાજકોટ રૂરલ એલસીબીના સ્ટાફે બાતમીના આધારે સાયલાના નડાળા ગામના કાઠી શખ્સને દેશી બંદુક અને દસ કાર્ટીસ સાથે પકડી લીધો હતો. આ હથીયાર તેણે વંથલીના રવની ગામના નામચીન શખ્સ પાસેથી લીધુ હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ રાજકોટ રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચનાથી એલસીબીના પીએસઆઈ જે.એમ. ચાવડા, જયુભા વાઘેલા, રવીભાઈ, મનોજભાઈ, મેરૂભાઈ મકવાણા અને દિવ્યેશભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ મેરૂભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે વિંછીયાના ગોરૈયા ગામથી નડાળા ગામ જવાના રસ્તા પરથી બાઈક પર પસાર થતા શખ્સને શંકાના આધારે રોકી તેનુ નામ પૂછતા તેણે પોતાનું નામ ચાંપરાજ પીઠુભાઈ ખાચર (ઉ.વ.૩૫) (કાઠી દરબાર) (રહે. નડાળા ગામ, તા. સાયલા) આપ્યું હતુ. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક અને દસ જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે આ હથિયાર જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામનો નામચીન જુસબ અલારખાભાઈ સાંઘ પાસેથી લીધુ હોવાની કબુલાત આપી હતી અને પોતે અગાઉ સાયલા પોલીસ મથકમાં મારામારી તથા દારૂના ગુન્હામાં પકડાયો હતો અને તે ચાર વર્ષ પહેલા વિંછીયાના મોઢુકામાં હત્યાના ગુનામાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યુ છે.

પોલીસે તેની પાસેથી હથિયાર તથા દસ કાર્ટીસ અને ચાર મોબાઈલ ફોન તથા બાઈક મળી રૂ. ૨૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વિંછીયા પોલીસને સોંપ્યો હતો અને જુસબ સાંઘનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.(૨-૭)

(11:37 am IST)