સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th November 2019

ગોંડલમાં વકીલ સહિત બે પર પાઇપથી હુમલો

જયેશભાઇએ બાઇક ધીમુ ચલાવવાનું કહેતા સિધ્ધરાજસિંહ અને શિવભદ્રસિંહ જાડેજા તુટી : પડયાઃ વચ્ચે પડેલ વકીલ દિનેશભાઇ પાતરને પણ માર મારી જાતી પ્રત્યે અપમાનીત શબ્દ કહ્યા

રાજકોટ, તા., ૧૬: ગોંડલમાં બાઇક ધીમુ ચલાવવા બાબતે થયેલ ઝઘડામાં વકીલ સહિત બે પર બે શખ્સોએ પાઇપથી હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ વિક્રમસિંહજી કોમ્પલેક્ષમાં સી વિભાગ પાસે સિધ્ધરાજસિંહ હિતુભા જાડેજા સ્પીડમાં બાઇક લઇને નિકળતા  સાહેદ જયેશભાઇએ બાઇક ધીમુ ચલાવવાનું કહેતા તે બાબતે ઝઘડો થતા સિધ્ધરાજસિંહ તથા તેની સાથેના શિવભદ્રસિંહ કરણસિંહ જાડેજા (રહે. બંન્ને મૂળ સિંધાવદર, હાલ ગોંડલ)એ જયેશભાઇને ગાળો આપી માર મારવા જતા વકીલ દિનેશભાઇ પાલાભાઇ પાતર (રહે. ભગવતપરા, શેરી નં. ૧૮/૨૭) વચ્ચે પડતા તેના પર પણ બંન્નેએ લોખંડના પાઇપથી માર માર્યો હતો અને જાતી પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહ્યા હતા. તેમજ જયેશભાઇને મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે વકીલ દિનેશભાઇ પાતરે ઉકત બંન્ને શખ્સો સામે સીટી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઇપીસી ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)