સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

ગોંડલના મોવિયા ગામે સંત ખીમદાસબાપુની જગ્યામાં નિઃશુલ્ક તુલસીના રોપા વિતરણ

ગોંડલ તા.૧૭: સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધી મંદિર વડવાળી જગ્યા દ્વારા ગોંડલ તાલુકાના મોવિયા ગામે તુલસી વિવાહના પ્રસંગે તા. ૧૯ને સોમવારે સાંજે ૪ વાગ્યે તુલસીના રોપાનું વિતરણ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

સનાતન ધર્મમાં તુલસીનો ખુબ જ મહીમા લખેલો છે. તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મીદેવીનું પ્રતિક માનવામાં આવે છે. તેને વિષ્ણુ પ્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સુખી સંતોથી અને સમૃદ્ધ જીવન જીવવાની આશા રાખનાર માટે તુલસી પૂજાની શરૂઆત આપણા પૂર્વજોએ તુલસીના કલાત્મક કયારાની સ્થાપના ઘરના ફળીયામાં ચોકમાં વરસે એટલા માટે કરતા હતા કે તુલસીએ સ્વયં શુદ્ધિકરણ છે. તુલસી જયાં પણ પ્રસરે છે ત્યાં જીવજંતુ મુકત શુદ્ધ અને પવિત્ર વાતાવરણ રહે છે. જે આરોગ્ય માટેે ખુબ લાભદાયક છે. ઠાકોરજીને થાળ ધરવામાં તુલસીનું પાન મુકાય છે. ત્યારે એ થાળ પૂર્ણ મનાય છે. તેમજ પ્રસાદ વિતરણમાં પણ તુલસીનું પાન મુકાય છે. માણસ મૃત્યુ પામે ત્યારે પણ તેમના મુખમાં તુલસીનું પાન મુકાય છે. જેથી તેમની આત્મા વિષ્ણુના ચરણ કમળ તરફ ગતિ કરે.

પહેલાનાં સમયમાં ગૃહિણીઓ તુલસીના કયારા પાસે ઘીનો  દીવો કરી પ્રદક્ષીણા કરી પોતાના પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરી પછી દીનચર્યાની શરૂઆત કરતા. જેથી મન પ્રસન્ન રહેતું અને ઘરમાં સુખ, શાંતિ અને સંતોષ રહેતો.

તુલસીનો છોડ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. તુલસી ખાંડ મહીને મીકસ કરીને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી શરદી, તાવમાં ફાયદો થાય છે. તુલસીનો તાજો રસ મોં મા ચાંદા પડયા હોય તેના માટે ખુબ જ ફાયદાકારક છે. તુલસી વાળી ચા રોગપ્રતિકારક શકિત વધારે છે. તુલસીના સેવનથી મોં મા રહેલી દુગંર્ધ દૂર થાય છે. કીટાણું સાફ થાય છે. મોં પર રહેલા ખીલથી પણ છુટકારો થાય છે. બ્લડ સુગર કંટ્રોલ કરવામાં તુલસી મુળ ફાયદાકારક છે.

તુલસીનો છોડ અતિ પવિત્ર અને આયુર્વેદિક રીતે ખુબ ફાયદાકારક હોવા છતાં આધુનિક યુગમાં ગામડા અને શહેરી વિસ્તારમાં ઘર માંથી તુલસીનો છોડ ગાયબ થતો જાય છે. જે ઘરના વાતાવરણ માટે નુકસાન કારક છે. જે એક ચિંતાનો વિષય છે. એમ પૂ. મહંત ભરતબાપુની યાદીમાં જણાવાયું છે.

(11:16 am IST)