સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

મોરબીમાં માર્ગ અકસ્માતો નિવારવા મુખ્યમંત્રીને રજૂઆત સાથે મહત્વપૂર્ણ સૂચનો

મોરબી તા. ૧૭ : મોરબી પંથકમાં વધી રહેલા અકસ્માતોથી વાહનચાલકો સતત ભયના ઓથાર હેઠળ જોવા મળે છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરે અકસ્માતો નિવારવા રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને સૂચનો આપી આ દિશામાં યોગ્ય પગલા ભરવા અનુરોધ કર્યો છે.

સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ રાજયના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં અનેક જીવલેણ અકસ્માતમાં અનેક નિર્દોષ નાગરિકો મોતના મુખમાં હોમાયા છે ત્યારે અકસ્માતો નિવારવા માટે સૂચનો આપ્યા છે જેમાં મોરબી ખાનપર રોડ ફોરટ્રેક કરવો, મોરબી રાજકોટ ફોરટ્રેક કામ વહેલી તકે પૂર્ણ કરવું, મોરબી નગરમાં રોડ ક્રોસ કરીને જતા લોકો માટે ઝીબ્રા ક્રોસિંગ કલર રોડ ઉપર કરવા.

ઉમિયા સર્કલે પીજીવીસીએલના વીજ થાંભલા બિનજરૂરી હોય અથવા અન્યત્ર ખસેડવા, ઉમિયા સર્કલ પાસે એકત્ર થતા શ્રમિકોને અન્ય સ્થાન આપી રોજગારી કેન્દ્ર ઉભું કરવું, ભકિતનગર સર્કલ ફલાય ઓવરબ્રિજ બનાવવો, મોરબી હળવદ રોડ ફોરટ્રેક બનાવો, મચ્છુ નદી પર ભડીયાદ રોડ લીલાપર રોડને જોડતો ફોરટ્રેક સિગ્નેચર ઓવરબ્રિજ બનાવો, નાની વાવડી રોડ રસ્તા ફલાય ઓવર બ્રીજ બનાવવા અને વાઘજી બાપુના બાવલા પાસે નટરાજ ફાટકે ઓવરબ્રિજ રોડ બનાવવા સહિતના સૂચનો આપી અકસ્માતો નિવારવા તાકીદના યોગ્ય પગલા ભરવા અપીલ કરવામાં આવી છે.

સર્વજ્ઞાતિ માટે રાહતદરે અડદિયા વિતરણ

ફૂલગુલાબી ઠંડીનુ આગમન થઈ રહ્યુ છે ત્યારે કરતા જલારામ પ્રાર્થના મંદીર દ્વારા શુધ્ધ ચોખ્ખા (અમૂલ ઘી) ના સૂકામેવા થી ભરપૂર અડદીયા નુ વિતરણ તા.૧૮ને રવિવારથી શરૂ કરવામા આવશે. અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. દરરોજ તાજા સ્ટોકમાંથી ઉપલબ્ધ રહેશે. સમગ્ર શિયાળા દરમિયાન અડદીયા ઉપલબ્ધ રહેશે તેમ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના હરીશભાઈ રાજાએ જણાવ્યુ છે. અડદીયા મેળવવા સર્વજ્ઞાતિય ભકતજનોએ શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.

રવાપરમાં ઐતિહાસિક નાટક

શ્રી અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ બગથળા દ્વારા તા. ૧૯ ને સોમવારે રાત્રીના ૯ કલાકે બહુચરાજી મંદિર સામે રવાપર ગામ મુકામે એતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાની ગરીબોની બેલી અને પેટ પકડીને હસાવતું નીમ્ચંદ શેઠના નખરા યાને કે માણકી ની માથાકૂટ કોમિક નાટકો ભજવાશે જે નાટકો નિહાળવા જાહેર જનતાને યાદીમાં આમંત્રણ પાઠવ્યું છે.

(11:10 am IST)