સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

ગારીયાધાર પાલિકામાં શાસક પક્ષમાં આંતરીક રોષ : ૧૧ સદસ્યો દ્વારા ૩ મુદ્દામાં વિરોધ

ગારીયાધાર, તા. ૧૭ : ન.પા. કચેરી ખાતે કુલ ર૮ સભ્યોમાં બન્ને પક્ષે ૧૪-૧૪ સમાન સભ્યોની સતા છે જેવામાં ભાજપાના પ્રમુખ નીતાબેન વાઘેલાની ચિઠ્ઠી ઉલાવીને વરણી કરવામાં આવી છે ત્યારે તેના પ્રમુખ તરીકેના દોઢ વર્ષમાં સાથી સભ્યો દ્વારા ભારે વિરોધ જોવામાં આવી રહ્યો હતો જે વિરોધ આજે આ સભ્યો દ્વારા ખુલ્લી રીતે પ્રમુખ સામે આવ્યા હોય તેમ વિવિધ ત્રણ જેટલા મુદાઓમાં વિરોધ દર્શાવવી અરજી ન.પા. ખાતે ઇન્વર્ડકરવામાં આવી છે.

અરજીમાં ન.પા. કચેરી દ્વારા એપલ ઇન્ફ્રાસ્ટકચર સુરત નામની એજન્સીને કામો શરૂ ન કરવા ર૦ જેટલી નોટીસો આપવા છતાં કામો ન કરતા સામાન્ય સભામાં ડીપોઝીટ જપ્ત કરી અન્ય એજન્સીને કામ કરાવવા કરાવવામાં આવ્યું હતું તેમ છતાં ન.પા. ચીફ ઓફીસર અને પ્રમુખ દ્વારા થોડા સમય પહેલા અંદાજીત ર૦ લાખનું બીલ ચૂકવવામાં આવ્યું છે તેમાં અને હવે પછી ચુકવાશે તેમાં વિરોધ દર્શાવી તેમાં કોઇ સભ્યની જવાબદારી નહીં રહે.

છેલ્લા ર માસમાં અભ્યાસ કરી જાણવા મળ્યા મુજબ ટેન્ડર વગર પરચૂરણ કામના બીલો ૭,૪૦,૦૦૦ રકમ ખર્ચ કરવામાં આવી છે જે નિયમ વિરૂદ્ધના ચૂકવણાનો વિરોધ કરવામાં આવ્યો છે.

પાલિકામાં ખોલવામાં આવતા ટેન્ડરોમાં ખોલવા સમયે સદસ્યોની હાજરી હોવાના ભાગરૂપે સહીઓ લેવામાં આવે છે. જેમાં ટેકનિકલ વિષય જાણતા ન હોય ટેન્ડરની વિગતો અને કરેલ ટેન્ડરની શરતોમાં અમોને પૂછવામાં આવતું ન હોય જેથી ટેન્ડરના તમામ નિયમોની જાણકારી ચીફ ઓફીસરને રાખવાની હોય છે જેમાં તાજેતરમાં રોડ સ્વીપર વિવાદાસ્પદ ટેન્ડરમાં ફેરફારો કરી ગોલમાલ કરી છે તેમાં માત્ર ચીફ ઓફીસર અને પ્રમુખ જવાબદાર છે, જેના વર્કઓર્ડરોમાં બન્નેની સહી છે અને કરવામાં આવેલા ફેરફાર બાબતે અમો અજાણ છીએ.

ઉપરોકત સંપૂર્ણ વિગતો અરજીના રૂપે ગારીયાધાર ન.પા. કચેરી ખાતે તા. ૧૧-૧૦-૧૯ના રોજ ર૩૮૪ નંબરે ઇન્વર્ડ કરવામાં આવી છે. જેમાં સતા પક્ષના ૧૪ પૈકીના ઉપપ્રમુખ વલ્લભભાઇ એન. જાદવ, ડો. પ્રફુલ્લ કોત્રોડીયા, શાંતિભાઇ મકવાણા, ઓઘાભાઇ પરમાર, ભાવેશભાઇ જીવરાજાણી, ગૌરીબેન બારૈયા, હંસાબેન સોરઠીયા, મધુબેન જેઠવા, કનુભાઇ ગોરસીયા, રસીલાબેન રાજકોટીયા, દેવકુંવરબેન અને ભાવેશભાઇ ગોરસીયા દ્વારા સહીઓ કરવામાં આવી હતી.

(11:49 am IST)