સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

લિવ ઇન રિલેશનમાં રહેતી પ્રેમિકા કેટલો પ્રેમ કરે છે તે જાણવા ભુજના યુવાને કર્યો અપહરણ અને ખંડણીનો ડ્રામા

વોઇસ ચેન્જરની મદદથી ફોન કરનાર યુવાનના ડ્રામાનો પોલીસે કર્યો પર્દાફાશ

ભુજ, તા.૧૭: પોતાની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પ્રેમિકાનો પ્રેમ જાણવા ભુજના યુવાને પોતાના અપહરણ અને ખંડણીના રચેલા ડ્રામા બાદ પોલીસે તે યુવાન વિરુદ્ઘ ફરિયાદ નોંધી છે. ભુજના સોમનાથ એપાર્ટમેન્ટમાં ૧૮ વર્ષીય યુવતીઙ્ગ ઇશા સંજય પછેલ સાથે લિવ ઇન રિલેશનશીપમાં પતિ પત્ની તરીકે રહેતા ૨૩ વર્ષીય મેહુલ રસિકલાલ જોશીએ ઇશાનો પ્રેમ કેટલો છે તે જાણવા પોતાનું અપહરણ કરાયું છે, તેમ જ તે માટે ૩ લાખની ખંડણી માંગતો હોવાનો ફોન પત્ની ઇશાને કર્યો હતો. બીજા સીમ કાર્ડથી વોઇસચેન્જરનો ઉપયોગ કરાયો હોવાથી મેહુલનો અવાજ નહીં ઓળખી શકનાર ઈશા ગભરાઈ ગઈ હતી અને સસરિયાઓને જાણ કરી ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મોબાઈલ સિમ કાર્ડ સર્વેલન્સ દ્વારા એ જાણ્યું હતું કે મેહુલનું લોકેશન ગાંધીધામ એસટી બસ સ્ટેશન તરફ છે. ત્યાં હોટેલ રાજશ્રીમા મેહુલ રોકાયો હોવાનું અને ત્યાંથી રવાનો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ત્રણ ટીમોએ ફરી લોકેશન ટ્રેક કરતા મેહુલ ગાંધીધામ ભુજ વચ્ચે રસ્તામાં હોવાનું જાણવા મળ્યું હતું અંતે પોલીસે તેને તેના દ્યર નજીકથી જ ઝડપી પાડતા અપહરણ અને ખંડણીના ડ્રામાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. જોકે, મેહુલને આ નાટક ભારે પડ્યું હતું પોલીસે તેની વિરુદ્ઘ રાજયસેવકને ખોટી માહિતી આપવા બદલ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

(11:34 am IST)