સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

જુનાગઢ શહેર, તાલુકા, જિલ્લામાં પોલીસનાં દારૂ અંગે દરોડા

વિશાળ જથ્થામાં દારૂ, આથો-સાધનો કબ્જે

જૂનાગઢ તા. ૧૭ :.. જુનાગઢ શહેર, તાલુકા અને જિલ્લામાં પોલીસે દારૂ અંગે વ્યાપક દરોડા પાડીને વિશાળ જથ્થામાં દારૂ, આથો, સાધનો કબ્જે કરતા દારૂનાં ધંધાર્થીઓમાં હલચલ મચી ગઇ  છે.જુનાગઢ જિલ્લામાં દારૂની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જિલ્લા પોલીસ વડા શ્રી સોરભ સિંહે સુચના જારી કરતા પોલીસ દ્વારા જિલ્લાભરમાં દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં.જેમાં જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એ. ડીવીઝન પોલીસ મથક હેઠળનાં પંચેશ્વર તથા કડીયાવાડ દોલતપરા સહિતના વિસ્તારોમાં રાત્રે પોલીસે દારૂનાં ધંધાર્થીઓ સામે ધોંસ બોલાવી હતી.

જેમાં ચાર મહિલા સહિતનાં શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ જ પ્રમાણે બી. ડીવીઝન પોલીસે બે કાર ચાલકોને દારૂ પીધેલી હાલતમાં કાર હંકારતા પકડી પાડયા હતાં. તેમજ મુબારક બાગ વિસ્તારમાં દારૂ અંગે દરોડા પાડયા હતાં.ઉપરાંત જૂનાગઢ સી. ડીવીઝન પોલીસે લીરબાઇપરા, ગાંધીગ્રામ વિસ્તારમાં દારૂનાં ધંધાર્થીઓને ત્યાં રેડ પાડી હતી.

જુનાગઢ તાલુકા પોલીસે એકટીવા પર દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને પકડી પાડયો હતો તેમજ તાલુકાનાં મજેવડી, ડુંગરપુર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અંગે દરોડા પાડયા હતાં.જૂનાગઢ શહેર અને તાલુકા ઉપરાંત જિલ્લાના મેંદરડા, કેશોદ, ભેંસાણ, ચોરવાડ, માળીયા હાટીના અને માંગરોળ વિસ્તારમાં સ્થાનીક પોલીસે દારૂ અંગે દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો.

(11:33 am IST)