'તને ના પાડી છે તો'ય કેમ મઢે દર્શન કરવા આવ્યો?' કહી દિનેશને મારી નાંખવાનો પ્રયાસ
ટંકારાના ખાનપર નેચડા ગામે બનાવઃ કોળી યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટ સારવાર હેઠળઃ ભુવા દિનેશભાઇ અને સાથેના પ્રેમજી,હકુ, બાબુ, ભીમજી ધોકા-પાઇપથી તૂટી પડ્યા
રાજકોટ તા. ૧૭: ટંકારાના ખાનપર નેચડા ગામે રહેતાં દિનેશ અમરશીભાઇ પીપળીયા (ઉ.૪૦) નામના કોળી યુવાનને સાંજે સાતેક વાગ્યે પોતાના ગામમાં જ આવેલા કુટુંબના મઢે દર્શન કરવા ગયો ત્યારે મઢના ભુવાઆતા દિનેશભાઇ સગ્રામભાઇ કોળી, પ્રેમજી, હકુ, બાબુ, ભીમજી તથા બીજા લોકોએ મળી ધોકા-પાઇપથી બેફામ માર મારતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
દિનેશના કહેવા મુજબ પોતે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બે વર્ષથી તેને કુળદેવી શિતળા માતા અને મેલડી માતાના મઢે જવા પર પ્રતિબંધ મુકાયો છે. આમ છતાં પોતે નોરતા રહેતો હોઇ સાતમની સાંજે મઢે દર્શન કરવા ગયો ત્યારે ભુવા સહિતનાએ 'તને ના પાડી છે તો'ય કેમ મઢે આવ્યો?' તેમ કહી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને શકિતસિંહ ગોહિલે ટંકારા પોલીસને જાણ કરી હતી.
ટંકારા પોલીસે દિનેશની ફરિયાદ પરથી દિનેશ ઉર્ફ સગરામ પીપળીયા, અરજણ ઉર્ફ હકુ સગરામ પીપળીયા અને પ્રેમજી સગરામ સામે આઇપીસી ૩૦૭, ૩૨૪ સહિતની કલમો હેઠળ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.