ગોંડલમાં મીનીબેન પરમારનું પતિ દેવાએ દસ્તાથી માથું ફોડી નાંખ્યું
રિસામણે આવેલી દિકરીને પરત સાસરે મોકલવા મામલે ડખ્ખો
રાજકોટ તા. ૧૭: ગોંડલના ભગવતપરામાં રહેતી મીનીબેન દેવાભાઇ પરમાર (ઉ.૫૦) નામની દેવીપૂજક મહિલાને રાત્રે દસેક વાગ્યે પતિ દેવા કરસનભાઇ પરમારે લોખંડના દસ્તાથી હુમલો કરી માથામાં ઘા ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
મીનીબેનના કહેવા મુજબ તેને સંતાનમાં એક દિકરી ઉમા છે. જે હાલમાં કપડવંજથી રિસામણે આવી છે. સાસરિયા સાથે સમાધાન કરી દિકરીને પરત સાસરે મોકલવા બાબતે પતિ સાથે પોતાને ચડભડ થતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને દસ્તાથી તૂટી પડ્યો હતો. દિકરીને ત્યાં ત્રાસ હોવાથી પોતે તેણીને પરત મોકલવા ઇચ્છતી નહોતી. પણ પતિ તેને પરત મોકલવાનું કહેતો હોઇ તે બાબતે માથાકુટ થઇ હતી. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને શકિતસિંહ ગોહિલે ગોંડલ પોલીસને જાણ કરી હતી.