સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th July 2018

સોરઠમાં મેઘો ઓળઘોળ : સવારે બે કલાકમાં માણાવદરમાં ૬ ઇંચ

વંથલી-બે, માળિયા હાટીના - ૧ાા, જૂનાગઢ, માંગરોળમાં ૧ ઇંચથી સર્વત્ર પાણી પાણી : ગઇરાતથી સતત વરસતો વરસાદ

જૂનાગઢ તા. ૧૭ : માણાવદરમાં સવારે માત્ર બે કલાકમાં મૂશળધાર ૬ ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણીથી લથપથ થઇ ગયું છે.

માણાવદરમાં રાતથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ સવારે ચાલુ રહેતા લોકોમાં ખુશી વ્‍યાપી ગઇ છે. માણાવદર ખાતે સવાર સુધીમાં ૩૮ મીમી વરસાદ નોંધાયો હતો.

પરંતુ સવારે ૬ વાગ્‍યાથી મેઘરાજા મૂશળધાર તૂટી પડયા હતા. આભ ફાટયું હોય તેવી સ્‍થિતિ વચ્‍ચે માણાવદરમાં સવારના ૬ થી ૮ દરમિયાન માત્ર બે જ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબકતા માણાવદરના મોટાભાગના વિસ્‍તારો પાણી પાણી થઇ ગયા હતા.

માણાવદરની સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ સાંબેલાધારે વરસાદ હોવાના વાવડ છે.

માણાવદરની સાથે સવારથી સમગ્ર સોરઠમાં મેઘમહેર થઇ રહી છે. વંથલી તાલુકામાં રાત્રે માત્ર ૧૦ મી.મી. વરસાદ નોંધાયા બાદ આજે સવારે વધુ ૪૪ મી.મી. વરસાદ ખાબકયો છે.

ભારે વરસાદથી વંથલીના નરેડી પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્‍યવહારને અસર થઇ હતી.

માળિયા હાટીનામાં ગત રાતથી મેઘો વરસી રહ્યો છે. સવાર સુધીમાં ૩૪ મીમી વરસાદ નોંધાયા બાદ આજે સવારે વધુ દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢમાં સતત ધીમી ધારે મેઘમહેર થઇ રહી છે. સવારે ૧૯ મીમી વરસાદ થયો છે.

માંગરોળમાં ૨૦ મીમી, કેશોદ ૧૨ મીમી, ભેંસાણ-૭ મીમી, મેંદરડા તાલુકામાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

(11:05 am IST)