સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th June 2021

પોરબંદર જીલ્લામાં ૪ કરોડના વિકાસકામો મંજુર

જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષપદે જીલ્લા આયોજન મંડળની વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઇઃ કામ સમયસર શરૂ કરવા સુચના

પોરબંદર, તા., ૧૭: પોરબંદર જીલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજાઇ હતી. જેમાં પોરબંદર જિલ્લામાં રૂ. ૪૦૦ લાખના ૧પ૩ કામોને મંજુરી અપાઇ હતી.

પોરબંદર જીલ્લાના પ્રભારી મંત્રી અને પ્રવાસન મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષપદે જીલ્લા આયોજન મંડળની બેઠક વિડીયો કોન્ફરન્સ મારફત યોજાયેલ હતી.આ બેઠકમાં મંત્રીશ્રી વિડીયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલ સહભાગી થયા હતા.

આ બેઠકમાં વિકેન્દ્રીત જીલ્લા આયોજન  કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ર૦ર૧-રરના (વિવેકાધીન(અનુ.જાતી પેટા યોજના) સામાન્ય પ્રોત્સાહક ખાસ પછાત વિસ્તાર ઘેડ, વિવેકાધીન નગર પાલીકા વિકાસના ૧પ૩ કામો માટે રૂ. ૪૦૦ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રીત  જીલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ર૦૧૮-૧૯ થી ર૦ર૦-ર૧ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી તેમજ કામોને સમયાંતરે પુર્ણ કરવા સુચના આપવામાં આવેલ હતી.

મંત્રી જવાહરભાઇએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને પાછલા વર્ષના કામો સમય મર્યાદામાં પુર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.  કલેકટર અશોકભાઇ શર્માએ વિકાસના હાથ પર લેવાયેલા કામોની રૂપરેખા આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. જીલ્લા આયોજન અધિકારી વી.એલ. સોનગરાએ સંકલીત માહીતી રજુ કરી હતી. આ બેઠકમાં જીલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:41 am IST)