સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

ઝઘડતા શખ્સોને છોડાવવા જતા પી.આઇ. એમ. એ. વાળા ઉપર છરીથી હુમલો

કાળવા ચોક ખાતેનાં બનાવમાં એક શખ્સ ગંભીરઃ વિપુલ રાજા સહિત ૩ ઝડપાયાઃ ૨ ફરાર

જુનાગઢ તા. ૧૭: જુનાગઢમાં મોડી રાત્રે ઝઘડતા શખ્સોને છોડાવવા જતાં પી.આઇ. એમ. એ. વાળા ઉપર છરીથી હુમલો થયાનું જાણવા મળેલ છે.આ બનાવમાં એક શખ્સને ગંભીર ઇજા થતાં તેને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, જુનાગઢના કાળવા ચોકમાં આવેલ કૈલાશ પાન નામની દુકાન પાસે ગત રાત્રીનાં બે વાગ્યે કેટલાંક શખ્સો ઝઘડો કરતા હતા.

આ દરમ્યાન નાઇટ પેટ્રોલીંગમાં ટીમ સાથે નીકળેલા એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી.આઇ. એમ. એ. વાળા એ પોતાના કાફલાને રોકી પોતે ઝઘડી રહેલા શખ્સોને છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો.

આ શખ્સોમાં કેટલાંક ઇસમો નશામાં ધુત હતા. તેમાંથી એક શખ્સે છોડાવવા આવેલા પી.આઇ. શ્રી વાળા ને છરી ઝીંકી દેતાં તેમને પેટનાં ભાગે ઇજા પહોંચી હતી.

આ બનાવમાં સાજીદખાન અનવરખાન નામનાં ઇસમને ગંભીર ઇજા થતાં તેને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવ અંગે એસ.પી. શ્રી સૌરભસિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, પી.આઇ. શ્રી વાળાને ટાર્ગેટ કરવામાં આવતા નથી પરંતુ તેઓ ઝઘડી રહેલા શખ્સોને વિખેરવાનો પ્રયાસ કરતા એક શખ્સે નશો કરેલી હાલતમાં પી.આઇ. વાળા સાથે પણ ઝપાઝપી કરીને તેને છરી ઝીંકી દીધી હતી. જેનાં પી.આઇ. વાળાને સામાન્ય ઇજા થઇ હતી.

આ હુમલાખોર પી.આઇ. વાળાને ઓળખતો ન હતો. બનાવ સંદર્ભે વિપુલ રાજા, કિરીટ પરમાર, વિજય સિંહની ધરપકડ કરાઇ છે જ્યારે ર ફરાર છે તેમ એસ.પી. સૌરભસિંઘે જણાવ્યું હતું.

દરમ્યાન વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ કાળવા ચોક ખાતેનો આ બનાવ પૈસાની લેતીદેતીનાં પ્રશ્ને બન્યો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા સાજીદખાન અનવરખાનનો ભાઇ એજાજખાનની પી.એસ.આઇ. શ્રી ડાકી એ પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવાની તજવી હાથ ધરી છે.

પી.આઇ. એમ. એ. વાળા જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે.

(3:22 pm IST)