સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

કોડીનારમાં વાવાઝોડાને કારણે કેરીના પાકને કરોડોનુ નુકસાન : ખેડૂતો ઇજારદારો ખોટના ખાડામાં

વાવાઝોડાને લઇ અનેક આંબાના વૃક્ષ જમીનદોસ્ત થઇ ગયા હતાં તેમજ હજારો મણ કેરી પણ જમીન પર ખરી પડી હતી તે તસ્વીરમાં નજરે પડેલ છે.

કોડીનાર, તા. ૧૭ : કોડીનાર તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરે વ્યાપક નુકશાની સર્જી છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરીઓ અને કેળા સહિતના ઉભા પાકનું સોથ વળી જતા અને આંબાઓ ઉપરથી મોટા પ્રમાણમાં કેરીઓ ખરી જતા ખેડૂતો અને ઇજારદાદારોને કરોડો રૂપિયાની નુકશાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ કોડીનાર તાલુકામાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની અર્ધી સિઝન પૂરી થવામાં હતી. ખેડૂતો અને કેરીના ઇજારા રાખતા ઇજારાદારોને પાછોતરો પાક સારો આવવાની આશા હતી, પરંતુ તેવામાં વાયુ વાવાઝોડાએ વેરી બનતા વાવાઝોડાના કારણે ફૂંકાયેલા ભારે પવનના કારણે આંબા ઉપરથી મોટાભાગની કેરીઓ ખરી પડતા અને કેરીના આંબાના વૃક્ષોનું પણ સોથ વળી જતા ખેડૂતો અને ઇજારદારોને કરોડો રૂપિયાની નુકશાન થવાની ભીતિ સર્જાતા નાના ઇજારાદારોની હાલત ભારે કફોડી બની છે.

આ અંગે નગરપાલિકાના પ્રમુખ અને કોડીનાર તાલુકામાં કેરીનો ઇજારો રાખતા હાજી રફીકભાઇ જુણેજાએ જણાવ્યા મુજબ આ વર્ષે હવામાનના કારણે કેરીનો પાક મોડો હોય ત્યારે વાયુ વાવાઝોડાએ તબાહી સર્જતા કેરીના મોટાભાગના ઇજારાદારોની કેરીઓ મોટા પ્રમાણમાં પડતા ઇજારાદારોને કરોડો રૂપિયાનો નુકશાન થયું હોવાની સાથે સમગ્ર બગીચામાં પડેલી કેરીઓને સાફ કરવા માટે મજૂરી પણ માથે પડે તેમ હોવાનું જણાવી ઇજારાદારોની હાલત અતિ કફોડી બની હોય, હાજી રફીકભાઇએ સરકાર નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ કરી હતી. કેરીના પાક ઉપરાંત કેળાઓના ઉભા પાકનો પણ સોથ વળી જતા ખેડૂતો અને ઇજારાદારોની હાલત દયનિય બની છે.

(10:05 am IST)