સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

વહેલા વરસાદની શક્યતાના પગલે કચ્છ તંત્ર પણ સજ્જ: આગોતરા આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક

બેઠકમાં વિવિધ 30 મુદાઓ પર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરો અને સબંધિત અધિકારીઓની પૂર્વ તૈયારી માટેની તૈયારી, આયોજન અને વ્યવસ્થા અંગે ચર્ચા

ભુજ : વહેલા વરસાદની શક્યતાના પગલે કલેકટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષસ્થાને વર્ષાઋતુના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 30 મુદાઓ પર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરો અને સબંધિત અધિકારીઓની પૂર્વ તૈયારી માટેની તૈયારી, આયોજન અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસામાં સંદેશાવ્યવહાર માટે બીએસએનએલ અને સબંધિતોને તમામ સરકારી કચેરીઓ અને કન્ટ્રોલરૂમના લેન્ડલાઇન ફોન, ફેક્સ મશીન ચાલુ રહે તેવી વાત કરવામાં આવી હતી.

સાથે જ બચાવ સાધનોની વર્કીંગ કન્ડીશનમાં રાખવા, નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની બચાવ કામગીરી, પુરરાહત બાબતના કન્ટ્રોલરૂમ, કાયદો વ્યવસ્થા, જિલ્લાના 20 ડેમોની, નદીઓ કેનાલની સફાઇ, સ્થળાંતર માટેની તૈયારી, વરસાદી સ્થિતિમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેનાલ પાઇપલાઇન, જર્જરીત રોડ રસ્તાઓ અને મકાનો બિલ્ડીંગની ચકાસણી, પાણી નિકાલ વ્યવસ્થા સબંધિતોને કરવા, નડતરરૂપ વૃક્ષો કાપવા, ઘાસ સાચવણી, રોગચાળો ન ફેલાય તેની તકેદારી બાબત, દરિયો તોફાની બને તેવા સંજોગોમાં કરવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા જળવાય તે માટે આયોજન જેવા અન્ય તમામ મુદ્દાઓને લઈ ચર્ચા કરીને સુચનો આપવામાં આવ્યા હતા.

નગરપાલિકાઓના ચીફ ઓફિસરે નહેરો, ગટરો, પાણીના ટેન્કરોની વ્યવસ્થા, પાણી નિકાલ વ્યવસ્થા, પૂર્વ તૈયારી બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી. કચ્છ જિલ્લાના નીચાણવાળા ગામ, વિસ્તારોમાં કેરોસીન, ખાધ સામગ્રીનો બે માસનો જથ્થો અગાઉથી પહોંચાડવા માટેના આયોજનની પણ ચર્ચા કરવામાં આવી હતી.

(10:33 pm IST)