સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th May 2019

પાઇપ લાઇનમાં ભંગાણ : વઢવાણમાં પાણી વિતરણ બંધથી પરેશાની

વઢવાણ, તા. ૧૭:  ધોળીધજા ડેમમાંથી વઢવાણ-સુરેન્દ્રનગર ૩પઃ૬પ ના રેશીયા મુજબ પાણી આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ખેરાળી ચોકડી પાસે પાઇપલાઇનમાં બુધવારે ભંગાણ સજર્યુ છે.

સમગ્ર સૌરાષ્ટ્રને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ છલોછલ ભરાયો છે. પરંતુ સુરેન્દ્રનગર-વઢવાણને કૂવા કાંઠે તરસ્યાનો ઘાટ સર્જાયો છે.

ધોળીધજા ડેમમાંથી વઢવાણ-સુરેન્દ્રનગર ૩પઃ૬પ ના રેશીયા મુજબ પાણી આપવામાં આવે છે. ઉનાળામાં પ્રારંભે જ સપ્તાહમાં બે વાર પાણી મળે તેવો ઘાટ સર્જાયો છે. આ રેશીયા મુજબ વઢવાણને લાંબા સમયથી પાણી આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ખેરાળી ચોકડી પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જ્યુ છે. આથી વઢવાણ શહેરમાં પાણી વિતરણ બંધ થતાં દોઢ લાખ શહેરીજનો તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.

બીજી તરફ વઢવાણ નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓએ રાત દિવસ ઉજાગરા કરીને પાઇપલાઇન રીપેરીંગ કામ હાથ ધર્યુ છે. આ અંગેસતીષભાઇ ગમારા, દિલીપભાઇ વિગેરે જણાવ્યું કે, વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજન વગર વારંવાર રીપેરીંગ હાથ ધરાતા લોકોને પાણીની સમસ્યા ઉભી થઇ છે.

ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં નગરપાલિકા વિતરણ વ્યવસ્થા ન કરી શકતા લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. આથી પાલિકાના શાસકોએ આયોજન કરી લોકોને દરરોજ પાણી મળે તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવી જોઇએ.

(1:15 pm IST)