સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

મોરબીનાં રવાપર ગામે ૧૨ વીઘા જમીનમાં ગેરકાયદે દબાણનું કારસ્તાનઃ બુલડોઝર ફેરવી દેવાયુ

સરકારી ખરાબાની સર્વે નં.૭પની જમીનનાં કમ્પાઉન્ડ વોલ ઉભો કરી બાંધકામો શરૂ થયેલઃ મામલતદાર સુમરા દ્વારા ડીમોલેશન હાથ ધરી જમીન મુકત કરાવાઇ

મોરબી, તા.૧૭: નજીકના રવાપર ગામની સરકારી ખરાબાની કરોડોની કીમતની જમીનમાં દબાણો સર્જવામાં આવ્યા હોય જે મામલે તંત્રની નોટીસ બાદ પણ દબાણો ના હટતા આજે મામલતદારની ટીમે દબાણો પણ બુલડોઝર ફેરવી દીધું હતું.

રવાપર ગામની સરકારી ખરાબાની સર્વે નં ૭૫ ની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોય જેમાં અંદાજે ૧૦ થી ૧૨ વીદ્યા જેટલી જમીનમાં કમ્પાઉન્ડ વોલ ઉભી કરી દેવામાં આવી હતી તેમજ બાંધકામ શરુ કરીને દીવાલો ઉભીં કરવાનું શરુ કરી દેવાયું હોય જે મામલે મોરબીના ઇન્ચાર્જ મામલતદાર યુ.એ.સુમરા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી અને બે દિવસમા આ જગ્યાના બાંધકામ અંગે જે કોઈ આધારપુરાવા હોય તે રજુ કરવા જણાવ્યું હતું જોકે સરકારી જમીનમાં ઈરાદાપૂર્વકનું દબાણ સર્જવામાં આવ્યું હોય અને નોટીસનો જવાબ નહિ મળતા આજે ઇન્ચાર્જ મામલતદાર યુ.એ.સુમરાએ સ્થળ પર પહોંચીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું અને દબાણો હટાવવામાં આવ્યા હતા તો સરકારી ખરાબાની કરોડોની કીમતી જમીન પર કબજો કરી દબાણ કરનારા ઇસમો સામે તંત્રએ લાલ આંખ કરી દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે.

(4:03 pm IST)