સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

વિસાવદર પોલીસ સ્ટેશનનાં સીસીટીવી કેમેરા પાંચ દિ'થી બંધ

ખાટલે મોટી ખોટથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કેમ થશે ?

જૂનાગઢ, તા. ૧૭ :. વિસાવદર પોલીસ સ્ટેશનના   કેમેરા છેલ્લા પાંચ દિવસથી  બંધ  હોવાનું   જાણવા મળેલ છે.

જાહેર સુરક્ષા અને દરેક હિલચાલ પર વોચ રહે તે માટે જાહેર સ્થળો, કોમર્શીયલ સેન્ટરો, રસ્તાઓ, પેટ્રોલ પંપ, એટીએમ અને બેંકો વગેરે જગ્યાએ સીસીટીવી કેમેરા ફરજીયાત છે.

અહીંની આશિયાના નામની યુવતીના આપઘાતથી હાલ વિસાવદર પોલીસ મથક ચર્ચાના ચકડોળે ચડયુ છે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ કેમેરા છેલ્લા પાંચ દિવસથી બંધ હોવાનું જાણવા મળેલ છે.

બીજી તરફ પોલીસ સ્ટાફ અપુરતો છે અનુભવી પોલીસકર્મીઓ જુજ છે અને નવી ભરતીના પોલીસકર્મીઓની સંખ્યા વધુ છે.

બે દિવસ અગાઉ પિતા પર પોલીસ દમનથી પુત્રીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા તેનુ મૃત્યુ નિપજ્યુ હતું.

આ યુવતિએ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી હોવાનું જણાવાયુ છે.

પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ વિસાવદર પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા છેલ્લા પાંચ દિવસથી બંધ હોય બનાવનું દુધનું દુધ અને પાણીનું પાણી કેવી રીતે થશે ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે.

પોલીસ મથકના સીસીટીવી કેમેરા બંધ હોવાની બાબતે કોની બેદરકારી છે ? તે પણ તપાસનો વિષય છે.

(11:36 am IST)