સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જોઇલો આ છે મોરબીનું તંત્ર : સિવિલમાં સમયસર ઓકસીજનના બાટલા ન બદલાતા એક જ રાતમાં ૫થી વધુના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : દિવસ દરમિયાન અધિકારીઓની હાજરીમાં હમ સાથ સાથ હેનું પિકચર બતાવ્યા બાદ રાત્રે દર્દીઓને ભગવાન ભરોષે મૂકી દેવામાં આવતા હોવાના આરોપ છે. રાત્રીના દર્દીઓના પરિવારજને સતત દર્દીની સાથે રહેવું પડે છે.

હોસ્પિટલમાં સતત કણસતા અવાજે દર્દીઓની ચીસો સંભળાય છે 'બાટલો બદલાવો', સવારે આ ચીસોથી કંટાળી સ્ટાફ બાટલો બદલાવી દયે છે પણ રાત્રીના દર્દીઓને મરવા છોડી દેવાય છે. મોતનું તાંડવ શરૂ થયું ત્યારે દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સિવિલના અધિકારીએ નફટાઈથી કહ્યું 'સ્ટાફ નથી શુ કરૂ હું'.

મોરબીમાં કોરોનાના કપરાકાળ વચ્ચે પણ તંત્ર પોતાની લાપરવાહી ભુલ્યું નથી. આ લાપરવાહી છુપાવવામાં તંત્ર ભલે ગમે તેટલા મરણીયા પ્રયાસો કરી લ્યે પણ કુદરત તેને ઉજાગર કરીને જ જંપે છે. મોરબી સિવિલમાં ગત રાત્રે તંત્રની લાપરવાહીથી મોતનું તાંડવ ખેલાઈ ગયું હતું. જેને દર્દીઓના પરિવાજનોએ જાહેર કરી દીધું છે. હાલ તો દર્દીના પરિવાજનો દર્દીના મોતને તંત્રએ કરેલી હત્યા ગણાવી રહ્યા છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ચાલુ છે. જયાં બેડ સહિતની સુવિધા વધારવા તંત્ર ઘણા દિવસોથી મથે છે પણ હજુ સુધી કોઈ સુવિધા વધારવામાં તંત્ર સફળ રહ્યું નથી. જો કે ગત રાતે જે ઘટના ઘટી છે તેના પરથી તો એવું લાગી રહ્યું છે કે તંત્ર સુવિધા વધારે તેના બદલે હાલ જે સુવિધા છે તેના પર પૂરતું ધ્યાન આપે તે જ પ્રજા માટે હિતાવહ છે. ગત રાત્રીના ઘટેલી ઘટનાની વાત કરીએ તો આ ઘટનાના સાક્ષી એવા કોવિડ હોસ્પિટલમાં દાખલ કોરોના પેશન્ટના પુત્ર ભવાનીસિંહ અશોકસિંહ ઠાકોરે જણાવ્યું કે તેઓના પિતા સહિતના દર્દીઓને મેઈન્ટેનન્સના કારણે અલગ વોર્ડમાં શિફટ કરવામાં આવ્યા હતા.

જયાં સુધી તેઓના પિતા જુના વોર્ડમાં હતા ત્યાં સુધી તેઓની તબિયત સારી હતી. પણ હા દરેક દર્દીઓએ કણસતા અવાજે અહીંના સ્ટાફને બુમો પાડવી પડે છે કે બાટલો બદલાવો. ત્યારબાદ સ્ટાફ મોડો મોડો આવી ઓકસીજનના બાટલા બદલાવે છે. સવારે ૮થી રાતના ૮ સુધી અહીં સ્ટાફ હોય છે. કલેકટર સહિતના અધિકારીઓ બેઠકોનો દોર ચલાવે છે ને એમને દેખાડવા પૂરતી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. પણ રાતના ૮ વાગ્યા બાદ અહીં કોઈ સ્ટાફ હોતો નથી.

ગત રાત્રે તેઓના પિતાને નવા વોર્ડમાં લઈ ગયા હતા. જયાં તેમના પિતા સહિત ઘણા દર્દીઓના ઓકિસજનના બાટલા પુરા થઈ ગયા હતા. આ વેળાએ કોઈ સ્ટાફ હાજર ન હોય દર્દીના પરિવાજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. જેથી અહીંના સરડવાએ એવું કહ્યું હતું કે હું શું કરૂ અહીં સ્ટાફ જ નથી. તેઓએ એવું કહ્યું કે હું પણ કામે લાગી જાવ છું. તમે પણ મદદ કરો. દર્દીના પરિવારજનો પણ આ માટે મદદમાં લાગી ગયા હતા. પણ તે ૨૦ મિનિટના સમયમાં તો ૫થી વધુ લોકોના ઓકિસજન ન મળવાથી મોત નિપજી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે હાલ સ્ટાફની અછતના પ્રશ્નનું નિરાકરણ ન લાવીને તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. વધુમાં દર્દીના પરિવારજનોના જણાવ્યા મુજબ સિવિલમાં મોટાભાગના મોત રાત્રીના સમયે જ થાય છે. કારણ કે રાત્રીના સમયે અહીં દર્દીઓને ભગવાન ભરોષે મૂકી દેવામાં આવે છે. અહીં રાત્રીના દર્દીની સેવા કરવા માટે સ્ટાફ પૂરતો ન હોય પરિવારજને જીવન જોખમે દર્દીની સેવા કરવી પડે છે. પંખા પણ વ્યવસ્થિત ન હોય પરિવાજને દર્દીને હાથેથી હવા નાખવી પડે છે.

જયારે બીજી બાજુ કલેકટર સહિતના જવાબદાર અધિકારીઓ મોરબી સિવિલમાં ઓકિસજન વાળા બેડ વધારવાના દાવા કરી રહ્યા છે પરંતુ વાસ્તવિક સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે. હજુ પણ સિવિલમાં જરૂરી હોય તેવા દર્દીઓને સમયસર ઓકિસજન મળતો નથી અને દર્દીઓ યોગ્ય સારવાર ના અભાવે મૃત્યુ પામી રહ્યા છે તે નરી વાસ્તવિકતા છે. ત્યારે દિવસની જેમ રાત્રીના પણ ઉચ્ચ અધિકારીઓ સિવિલના તંત્ર પર નજર રાખી ત્યાં ખૂટતી મેડિકલ સુવિધા યુદ્ઘના ધોરણે ઉભી કરે તે અત્યંત જરૂરી છે.

અધિકારીઓ કે નેતાઓને બધું બરાબર લાગતું હોય તો કયારેક અડધી રાતે ઓચિંતું ચેકિંગ કરી જુએ.

દર્દીના પરિવારજનો એવો સો મણનો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે જો ચૂંટણી વખતે તંત્ર વધારાનો સ્ટાફ લઈ આવી શકતું હોય તો અત્યારે કેમ નહિ ? અધિકારીઓ અને નેતાઓ બેઠકોમાં જ વ્યસ્ત રહે છે. તેઓને સિવિલ હોસ્પિટલમાં બધું બરાબર લાગતું હોય તો તેઓ કયારેક અડધી રાતે સિવિલ હોસ્પિટલમાં ઓચિંતું ચેકીંગ કરી જુએ.તેઓને વાસ્તવિકતાનો ખ્યાલ આવી જશે.

(12:50 pm IST)