સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ઘટાડીને સરકાર લોકોને મોતના મુખમાં ધકેલી રહી છે

પોરબંદરના કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાનો રોષઃ કલેકટર અને સિવિલ સર્જનને રજૂઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ :. સરકારે આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ઘટાડીને અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાયમરી હેલ્થ સેન્ટરોમાં દરરોજ પાંચથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ રોષ વ્યકત કરીને જણાવેલ કે આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ઘટાડીને સરકાર લોકોને મોતના મુખમાં ધકેલી રહેલ છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે અત્યારે સરકારે એકાએક અર્બન હેલ્થ સેન્ટરો, પ્રાયમરી હેલ્થ સેન્ટરો અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ૫ કરતા વધારે દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ ન કરવાની સૂચના આપીને આવનારા દિવસોમાં પોરબંદર જીલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગુણાકારની ઝડપે વધારો કરવાનો દરવાજો ખોલી નાખ્યો છે.

અગ્રણી રામદેવભાઈએ જણાવેલ કે એક બાજુ રાજ્ય સરકાર નામદાર હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને (ટેસ્ટીંગ, ટ્રેપીંગ અને ટ્રીટમેન્ટ)ને સંક્રમિત દર્દીઓને શોધીને સારવાર કરવામાં ગતી લાવીશું એમ કહે છે. જ્યારે બીજી બાજુ ટેસ્ટીંગ લગભગ બંધ કરીને સરકાર લોકોને મોતના મુખમાં ધકેલી રહી છે.

સરકારી અને સરકાર માન્ય તમામ ખાનગી કોવિડ સેન્ટરો ફુલ થઈ ગયા છે.  અત્યારે દર્દીઓ હોસ્પીટલમાં ઓકિસજન લેવલ ઓછુ હોય એવા મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થવા માટે રાહ જોઈને બેઠા છે. આ બાબતે સિવિલ સર્જન ડો. પરમાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમારી પાસે ઓકિસજન છે, પણ રેગ્યુલેટર નથી. અમોએ અઠવાડિયા પહેલા ૨૦૦ રેગ્યુલેટર ઓર્ડર કર્યા છે પરંતુ અત્યારે માત્ર ૫૦ જ આવ્યા છે. તેથી અમો હવે આ દર્દીઓને દાખલ કરી શકીએ એમ નથી એમ કહીને ઉંચા હાથ કરી દીધા હતા.

આ બાબતે જીલ્લા કલેકટરશ્રીને પણ રજૂઆતો કરીને આરટીપીસીઆરના ટેસ્ટ મોટી સંખ્યામાં કરવા અને રાજ્ય સરકારની મંજુરી લઈને નવા ખાનગી દવાખાનાઓને કોવિડમાં રૂપાંતરીત કરીને દર્દીઓને મફત સારવાર આપવાની વ્યવસ્થા કરવા માટે લોકોની લાગણી રાજ્ય સરકારને પહોંચાડવા રજુઆતો કરી હતી.

(12:47 pm IST)