સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

કોરોનાના કકળાટ વચ્ચે આજે મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી કચ્છમાં : મેડિકલ ઇમરજન્સીનો કોંગ્રેસે કર્યો આક્ષેપ

કોરોનાના દર્દીઓની સારવાર કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને દવા ઇન્જેકશન મળતા ન હોવાની ભાજપના વરિષ્ઠ નેતાની રજૂઆત : દવા - ઇન્જેકશન માટે તંત્રએ મોડે મોડે ગઇકાલે જ બનાવી કમિટિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : કચ્છમાં કોરોનાએ સર્જેલા કકળાટ વચ્ચે આજે બપોર પછી મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સ્થિતિની સમીક્ષા કરશે. દરમ્યાન કચ્છ જિલ્લા કોંગ્રેસે કોરોના થી કચ્છની હાલત દયનીય હોવાનું અને પ્રજા પરેશાન હોવાનું જણાવી સરકાર પૂરતા બેડ, ઓકસીજન, વેન્ટિલેટર તેમ જ જરૂરી દવા સહિતની વ્યવસ્થામાં નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કચ્છમાં મેડિકલ ઈમરજન્સી સર્જાઈ હોવાનું જણાવી તંત્ર અને સરકાર દ્વારા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દર્દીઓના અને મોતના આંકડાઓ ખોટા અપાઈ રહ્યા હોવાનો આક્ષેપ મૂકયો છે.

દરમિયાન કચ્છમાં કોરોનાની કથળતી સ્થિતિ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મુલાકાત માટે પત્ર લખનાર પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ દવા તેમ જ ઈન્જેકશન અંગે રજૂઆત કરી છે. પોતાની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કોરોનાના દર્દીઓની સરકારની સહાયતા સાથે નિશુલ્ક સારવાર કરનાર ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ એ જણાવ્યું છે કે, અત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓને દવા અને ઈન્જેકશન નો જથ્થો બજારમાંથી ખરીદવો પડે છે. તે સરકાર દ્વારા નિયમિત અપાય તેવી રજૂઆત કરાઈ છે.

રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મુલાકાતને પગલે એકશનમાં આવેલા કલેકટર તંત્રએ દવા અને ઈન્જેકશન માટે તાત્કાલિક ધોરણે સમિતિ બનાવી છે.

(11:42 am IST)