સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

કચ્છી ભાષાના મૂર્ધન્ય કવિ 'તેજ'નું દુઃખદ નિધન : સમસ્ત કચ્છી સમાજમાં શોકનું મોજું

રાજ્ય અને કેન્દ્રનું સાહિત્ય સન્માન મેળવનાર 'તેજ'ને પદ્મશ્રી નારાયણ જોષી 'કારાયલ', ગૌતમ જોશી, લાલ રાંભિયા, ડો. કાશ્મીરા મહેતા સહિત કચ્છના સાહિત્યકારોની અંજલિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : જીવનના પાંચ દાયકા વધુ સમય સુધી કચ્છી ભાષામાં સાહિત્યનું ખેડાણ કરી કચ્છી ભાષાને પ્રજવલિત રાખીને કચ્છી સાહિત્યમાં 'તેજ' પૂરનાર કવિ તેજે ૮૪ વર્ષે વિદાય લેતા સમસ્ત કચ્છી સમાજમાં શોક ફેલાયો છે. ગાંધીધામ ખાતે તેમના પુત્રને ત્યા રહેતા કચ્છી ભાષાના મૂર્ધન્ય કવિ 'તેજ'એ ટુંકી બિમારી બાદ ગઇકાલે રાત્રે પોતાના શ્વાસ છોડ્યા હતા.

નલિયામાં જન્મેલા તેજપાલ ધારશી નાગડા 'તેજ'ના નિધનથી કચ્છી સાહિત્ય જગતને ખૂબ જ મોટી ખોટ પડી છે. ૧૯૬૬ થી કચ્છી સાહિત્યમાં પગરણ માંડનાર કવિ તેજની કલમે પક્ષી સૃષ્ટિ, પર્યાવરણ સહીતના વિષયોને આવરીને કચ્છી ભાષાને જીવંત બનાવીને ૪૦ જેટલા કાવ્યસંગ્રહો અને પુસ્તકો લખ્યા હતા. જેમાં પખિયન જયું પિરોલિયું, ટીટોડી ટહુકા કરે, વિલાપજી વાણી, જેવી અનેક રચનાઓ આજે પણ સાહિત્ય પ્રેમીઓ વાગોળે છે. તેમની કચ્છી કવિતાઓના અંગ્રેજી અનુવાદ સાથેનું પુસ્તક 'ત્રિનેત્ર તેજ' તાજેતરમાં જ ડો. કાશ્મીરા મહેતા દ્વારા પ્રકાશિત કરાયું હતું. કચ્છી સાહિત્ય માટે સ્વર્ગસ્થ દુલેરાય કારાણી પછી કવિ તેજનો સિંહફાળો રહ્યો છે.

૨૦૦૭માં રાજયની કચ્છી સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર, ૨૦૧૦માં કેન્દ્રિય સાહિત્ય અકાદમી તરફથી ભાષા પુરસ્કાર સહિત અનેક સન્માન તેઓએ મેળવ્યા હતા. કવિ તેજના નિધનના સમાચારથી વ્યથિત પદ્મશ્રી નારાયણ જોશી 'કારાયલ', ગૌતમ જોષી, લોક કલાકાર લાલ રાંભિયા, કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા ડો. કાશ્મીરા મહેતા સહિત કચ્છના સાહિત્યકારોએ તેમને ભાવભરી અંજલિ આપી હતી અને કચ્છી સાહિત્ય જગતને મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું હતું.

(10:25 am IST)