સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ગોંડલમાં લાખો રૂપીયાની ચોરી

બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલા કોલેજીયન મોલમાં તસ્કરો ત્રાટકયાઃ સીસીટીવી કેમેરામાં કેદ શખ્સોની શોધખોળ

ગોંડલઃ કોલેજીયન મોલમાં લાખો રૂપીયાનો ચોરી થતા પોલીસે સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં તસ્કરો ચોરી કરતા નજરે પડયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા., ૧૭: ગોંડલમાં કોલેજીયન મોલમાં તસ્કરોએ ત્રાટકીને ૪૦ લાખ રૂપિયાની જંગી રોકડ રકમની  ચોરી કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ગોંડલના બસ સ્ટેન્ડ રોડ ઉપર વછેરાના વાડા નજીક આવેલ કપડાના મોટા શોરૂમ 'કોલેજીયન' માં કાલે મોડી રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને શોરૂમમાં રાખવામાં આવેલ રૂ. ૪૦,૧૧,૪૭૬  રોકડ રકમની ઉઠાંતરી કરીને નાસી ગયા હતા.

આ બનાવની જાણ થતા કોલેજીયન મોલના માલીકે પોલીસને જાણ કરતા પીઆઇ રામાનુજ તથા રાઇટર હરૂભા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજ તપાસી હતી જેમાં મોલમાં ર-૩ શખ્સો આંટા મારતા નજરે પડે છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં તસ્કરો મોલના પાછળના શટર વાળી અંદર પ્રવેશ્યા હતા અને મોલના ટેબલના ખાનામાં રાખેલ ૪૦ લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. મોલના માલીક સલીમભાઇ શેખાણીના જણાવ્યા મુજબ નવા માલની ખરીદી માટે આવડી મોડી રકમ મોલમાં રાખી હતી. આજે  આ રકમનું આરટીજીએસ કરવાનું હતું પણ તે પહેલા તસ્કરો આ રકમ ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. એક જ રાત્રીમાં ૪૦ લાખની રોકડની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે એફએસએલની ડોગસ્કવોડની મદદ પણ લીધી છે અને તસ્કરો સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે. (૪.૧૩)

(4:22 pm IST)