સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

વાંકાનેરના ઢુવાની હોટેલમાં પકડાયેલ સેકસકાંડમાં મેનેજર સહિત બે રીમાન્ડ પર

અમદાવાદનો ચેતનસિંહ તથા અંકુર પાનસુરીયાએ મહારાષ્ટ્રીયન લલનાને મોકલી મેનેજર દિનેશ પટેલ સાથે મળી ગોરખધંધો શરૂ કર્યો'ને પોલીસ ત્રાટકી'તી

વાંકાનેર, તા. ૧૭  :. વાંકાનેર પાસે આવેલ ઔદ્યોગીક ઝોન ઢુવા ગામની હોટલમાં ચાલતા સેકસકાંડમાં પકડાયેલ મેનેજર સહિત બેે શખ્સોને કોર્ટે બે દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. 

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા ઔદ્યોગીક વસાહતમાં આવેલ એ.કે. હોટલમાં  વાંકાનેર તાલુકાના પી.એસ.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફે  રેડ કરી હોટલમાં  કુટણખાનુ ચલાવનાર હોટલના મેનેજર દિનેશ પુંજાજી ડોકલા જાતે પટેલ (ઉ.વ. ૨૬) રહે. ઝાલ, એ.કે. હોટલ ઢુવા મુળ રહે. સુરખંડ-ખેડા, તા. સરાળા, જિલ્લો ઉદેપુર-રાજસ્થાન તથા ચેતનસિંહ ઉર્ફે રવિ ભારતસિંહ પરમાર રહે. હાલ નિર્ણયનગર, નંદનવન ફલેટ અમદાવાદ, મૂળ ગામ રાજપુત ફળીયુ-નાપાવાટા, તા. બોરસદ, જિલ્લો આણંદને મહારાષ્ટ્રીયન લલના સાથે ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રીયન લલનાને ચેતનસિંહ અમદાવાદથી ઢુવા લાવ્યો હતો. આ લલનાને અમદાવાદનો અંકુર ઉર્ફે રોહીત પાનસુરીયા પટેલ મુંબઈથી લાવી ચેતનસિંહને હવાલે કરી હતી અને ચેતનસિંહે ઢુવા સ્થિત એ.કે. હોટલના મેનેજર દિનેશ પટેલ સાથે મળી છેલ્લા બે દિવસથી ગોરખધંધો શરૂ કર્યો હતો. હોટલ મેનેજર એ.કે. પટેલ લલના પાસે આવતા ગ્રાહકો પાસેથી ૨૦૦૦થી ૫૦૦૦ રૂ. લેતો હતો અને આ રકમમાંથી લલના તથા ચેતનસિંહ અને અંકુરને ભાગબટાઈ આપતો હતો.

તાલુકા પોલીસે પકડાયેલ હોટલ મેનેજર દિનેશ પટેલ તથા ચેતનસિંહની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બન્નેને બે દિવસના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. પોલીસે મુખ્ય સૂત્રધાર અંકુરની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે.(૨-૯)

(2:47 pm IST)