સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

વિરપુર પાસે પકડાયેલ દોઢ કરોડના દારૂ પ્રકરણમાં બોગસ 'બિલ્ટી' કૌભાંડ ખુલતા તપાસનો ધમધમાટ

ચેકપોસ્ટો પર દારૂ ભરેલા ટ્રકની તલાસી ન થાય તે માટે ઘઉંની બોગસ 'બિલ્ટી' કઢાવી'તી

રાજકોટ, તા. ૧૭ :. વિરપુર પાસે દોઢ માસ પૂર્વે બે ટ્રકમાંથી આર.આર. સેલે પકડી પાડેલ દોઢ કરોડના વિદેશી દારૂ પ્રકરણમાં બોગસ 'બિલ્ટી' કૌભાંડ ખુલતા આ અંગે આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વિરપુર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ દોઢ માસ પૂર્વે આર.આર. સેલની ટીમે વિરપુર પાસે બે ટ્રકમાંથી દોઢ કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આર.આર. સેલે જે તે સમયે બન્ને ટ્રકના ડ્રાઈવરો પાસેથી મળેલ 'બિલ્ટી' અંગે તપાસ કરતા આ બન્ને ટ્રકો ઘઉંનો જથ્થો ભરી પોરબંદર જઈ રહ્યાનું ખુલ્યુ હતું. હકીકતમાં આ બન્ને ટ્રકમાં દારૂ ભર્યો હતો અને રસ્તામાં ચેકપોસ્ટો પર દારૂ ભરેલા ટ્રકોની તલાસી ન થાય તે માટે ઘઉંની બોગસ 'બિલ્ટી' કઢાવી હોવાનું ખુલ્યુ હતું.

પંજાબના હરીયાણાથી દારૂ ભરી નિકળેલા આ બન્ને ટ્રકો ઘઉં ભરીને પોરબંદર જઈ રહ્યાની બિલ્ટી હતી આ બિલ્ટી પોરબંદરના કિસાન વિકાસ કેન્દ્ર નામની પેઢીની હતી પરંતુ પોરબંદરમાં આવી કોઈ પેઢી ન હોવાનું ખુલતા વિદેશી દારૂ ઘુસાડવામાં બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી બોગસ બિલ્ટી કૌભાંડ આચરાયાનું ખુલતા આર.આર. સેલના હેડ કોન્સ. અમિત કનેરીયાએ આરોપી સુરેશ, મદન, ડ્રાઈવર કાશ્મીરસિંગ બચીતરસિંગ, હરજીતસિંગ રહે. બન્ને પંજાબ, હીરેન અમૃતલાલ કારીયા (મુખ્ય બુટલેગર) તથા બિલ્ટીમાં બે સહી કરનાર બે વ્યકિતઓ સામે વિરપુર પોલીસમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

વિરપુર પોલીસે આ બોગસ બિલ્ટી કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે. જેની સામે ગુન્હો દાખલ થયો છે તે પૈકીના અમુક આરોપીઓ જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઈ તપાસ કરાશે. તેમજ જે આરોપીઓ પકડવાના બાકી છે તેની શોધખોળ હાથ ધરાય છે. વધુ તપાસ પી.એસ.આઈ. આર.ડી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(1:04 pm IST)