સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

જીવનમાં જરૂરી છે તેવું શિક્ષણ અપાતુ જ નથી : સંજય રાવલ

તળાજામાં સ્કુલના કાર્યક્રમમાં મંત્રીઓ વિશે હળવી શૈલીમાં માર્મીક ટકોર કરી

ભાવનાગર, તા.૧૭ : પોતાની વાણી વડે રાજય અને દેશમાં જાણીતા બનેલા સંજય રાવલ એ તળાજામાં હજારોની જન મેદનીને નિલકંઠ સ્કુલના મહેમાન બનીને સંબોધી હતી. લગભગ બે કલાકના વકતવ્યમાં ખાસ કરીને અભ્યાસ ક્રમને લઇ શિક્ષણ વિભાગને આડે હાથે લેવામાં આવેલ. રાજયના વિવિધ વિભાગના મંત્રીઓ કેવા હોવા જોઇએ તે વિચારો અને પોતે મુખ્યમંત્રી હોઇ તો શું કરવા માંગે છે તેવી રમૂજ શૈલી સાથે ચૂટકીઓ લઇ સિસ્ટમને પોતાના વિચારો પ્રમાણે રજૂ કરેલ. અહીં લોકદાયરામાં કલાકાર ઉપર આવેલ રૂપિયાને મેથળા બંધારાના કુંડમાં આપવાની જાહેરાત સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવેલ છે.

તળાજા સ્થિત નિલકંઠ વિદ્યાપીઠ ખાતે પેરેન્ટીંગ સેમિનાર યોજવામાં આવેલ. શિક્ષણ, ધર્મ, માતા-પિતા, રાજકારણ અને બાળપણથી લઇ વૃદ્ધાવસ્થા સમજણ આપવા માટે એકમાત્ર વકતા તરીકે સંજય રાવલ રહ્યા હતાં.

સંજય રાવલ એ શિક્ષણ વિભાગ ઉપર સૌથી વધુ ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં જે વસ્તુની જરૂરીયાત છે તેવું શિક્ષણ આપવામાં આવતું જ નથી. પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના અભ્યાસ ક્રમમાં આમૂલ ફેરફાર લાવવાની હીમાયત કરી હતી.

રાજયના શિક્ષણ મંત્રી રાજયના સર્વોચ્ચ શિક્ષક, રાજયના ગૃહમંત્રી સેનાના નિવૃત અધિકારી, આરોગ્ય મંત્રી, શ્રેષ્ઠ ડોકટર હોવા જોઇએ. એલફન્ટનો સ્પેલીંગ ન આવડે તેવા મંત્રીઓ ન હોવા જોઇએ તેવી તીખી પ્રક્રિયા આપી હતી.

રમૂજ શૈલીમાં પોતે મુખ્યમંત્રી હોય અને બનવાનો જ છું તેવા વકતવ્ય સાથે શું શું કરવાની જરૂર છે શું ઘટે છે તેમ જણાવ્યું હતું. માતા-પિતાને દરરોજ વંદન કરવાથી દુનિયાની કોઇ શકિત તમને ઝૂકાવી શકે નહીં. અથાગ પરિક્ષમ, પ્રયત્નો અને જે કરો તે બેસ્ટ કરો તે વિચારો રજૂ કરી કુદરત ઉપર ભરોસો રાખવા પણ વજન આપ્યું હતું.

અહીં કલાકાર પોપટભાઇ માલધારી દ્વારા રજૂ કરવામાં આવે લોકડાયરામાં જે રકમ કલાકાર પર આવી હતી તે રકમ મેથળા બંધારા ખાતે સ્વયંભૂ ચલાવાતા બંધારાના કામમાં ફંડરૂપે આપવાની જાહેરાત સ્કૂલના સંચાલકો ડો. દલપત કાતરીયા, રૈવતસિંહ સરવૈયાએ કરી હતી.

સંજય રાવલના વિચારોને જાણવા-સાંભળવા હજારોની સંખ્યામાં ભાઇઓ-બહેનો, વિદ્યાર્થીઓ, ડોકટરો, વકીલો, વિવિધ સંસ્થાના આગેવાનો, શિક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(11:24 am IST)