સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

જુનાગઢમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે

ભવ્ય શોભાયાત્રા, ભૂદેવો માટે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો : તડામાર તૈયારી

જુનાગઢ, તા. ૧૪ : શહેર ભાજપ મહામંત્રી, મહનગર પાલિકા શાસકપક્ષના નેતા અને પરશુરામદાદા જયંતિ ઉજવણી સમિતિના કન્વીનર પુનિતભાઇ શર્માની યાદીમાં જણાવ્યું છે કે, તા. ૧૮ ને બુધવારે શ્રી પરશુરામદાદાની જયંતિ આ જન્મ જયંતિની ઉજવણી સમસ્ત બ્રહ્મસમાજ અન શ્રી બ્રહ્મ યુવા સંગઠનના સંયુકત ઉપક્રમે થવા જઇ રહેલ છે.

ત્યારે ભગવાન વિષ્ણુના ૬ઠ્ઠા અવતાર, ભૂદેવોના ઇષ્ટદેવ અને બ્રાહ્મણોના અનંત આરાધ્ય એવા પરશુરામદાદાની જન્મ જયંતિની ઉજવણીની જૂનાગઢ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે અને સમગ્ર આયોજનને કન્વીનરશ્રી પુનિતભાઇ શર્માની આગેવાની હેઠળ આખરી ઓપ અપાઇ રહેલ છે. જેના ભાગરૂપે હાલ જૂનાગઢમાં સૌપ્રથમવાર મહિલાઓ દ્વારા તલવારબાજી અને લાઠીદાવ પણ આ શોભાયાત્રામાં જોવા મળશે તો તેના એડવાન્સ કલાસ હાલ બ્રહ્મસમાજના મહિલા વિભાગ દ્વારા થઇ રહેલ છે અને મહિલાઓને પ્રશિક્ષિત કરવામાં આવી રહેલ છે.

જયારે બીજી તરફ શ્રી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નેજા હેઠળ તા. ૧૭ના રોજ યુવાનો દ્વારા સમગ્ર શહેરમાં બાઇક રેલી પણ યોજવામાં આવનાર છે.

તા. ૧૮ના યોજાનાર શ્રી પરશુરામ જયંતિ નિમિતે જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલ જાગનાથ મંદિર ખાતેથી બપોરે ૪:૦૦ કલાકે પ્રસ્થાન થશે. જેમાં અવનવા ફલોટસ, પરશુરામ દાદાના વીર કાર્યોની ગાથા વર્ણવતા ફલોટ સાથે આ શોભાયાત્રાની શરૂઆત થશે જે શોભાયાત્રા આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક, ભુતનાથ રોડ થઇ ભુતનાથ મંદિર ખાતે સંપન્ન થશે. આ સમગ્ર કાર્યક્રમમાં જુનાગઢ શહેરના સમગ્ર ભૂદેવ પરિવારોના પુરૂષો, મહિલાઓ અને બાળકો તથા યુવાનો એકસાથે જોડાઇને આ જન્મોત્સવ ઉજવશે અને ખાસ કરીને પરશુરામ જયંતિ નિમિતે શોભાયાત્રા સંપન્ન થયા બાદ ઉપસ્થિત સર્વે ભૂદેવોને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવશે. આમ સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ, શ્રી બ્રહ્મ યુવા સંગઠન કન્વીનરશ્રી પુનિતભાઇ શર્માની આગેવાની હેઠળ તૈયારીઓ કરી રહેલ છે.

(10:03 am IST)