સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

થાનગઢમાં પતિની હત્યાના ગુનામાં પકડાયેલ પત્નીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

બોથડ પદાર્થનો ઘા મારી પતિની હત્યા કર્યા બાદ ઘરની પાસેની શેરીમાંથી પતિની લાશ મળી આવેલઃ પોલીસ તપાસ દરમ્યાન પત્નીની સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવેલીઃ સુરેન્દ્રનગર સેસન્સ કોર્ટ દ્વારા પુરાવો ચકાસી સજા ફટકારી

સુરેન્દ્રનગર, તા., ૧૭: સને ર૦૧૮માં થાનગઢ ટાઉનમાં આરોપી પત્ની દ્વારા પતિનું માથામાં બોથડ પદાર્થથી ઇજા કરી ખુન કરવામાં આવેલ જેમાં પોલીસ વિભાગની ઉંડાણપુર્વકની સચોટ પુરાવા સહીતની તપાસ બાદ કેસ ચાલી જતા આરોપી બહેનોને આજીવન કેદની સજા સુરેન્દ્રનગરની સેસન્સ કોર્ટે ફટકારી હતી.

સને ર૦૧૮માં થાનગઢ ટાઉનમાં હિટરનગરમાં પોતાના ઘર પાસેથી મરનાર હેમંતભાઇ નથુભાઇ સારલા રહે. હીટરનગર, થાનગઢ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા સ્ટાફની ટીમ દ્વારા તાત્કાલીક ગુન્હાવાળી જગ્યાએ પહોંચી બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ આ અંગે થાનગઢ પો.સ્ટે. સીઆરપીસી કલમ ૧૭૪ મુજબનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ અને મરણજનારની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ થાનગઢ મુકામે મોકલતા પીએમ કરી ડોકટરશ્રી દ્વારા મરણજનારના માથામાં બોથડ પદાર્થથી થયેલ ગંભીર ઇજાના કારણે મોત થયેલ હોવાનું જણાવી આ અંગે ગુન્હાવાળી જગ્યાની વીઝીટ કરી મરણજનારના પરીવારજનોની તથા આજુબાજુ વાળાઓની પુછપરછ  કરવામાં આવેલ તે દરમ્યાન મરણજનારના પત્ની કંકુબેન હેમંતભાઇ સારલાની હરકત શંકાસ્પદ જણાયેલ. મરણજનારની લાશ તેના ઘર પાસે શેરીમાંથી વહેલી સવારમાં મળી આવેલ હોય અને રાત્રી ઘરમાં મરણજનારના ઘરે અથવા તો નજીકમાં જ બનાવ બનેલ હોવા અંગેના સાંકેતીક પુરાવા જણાય આવતા હોય આ અંગે મરણનારના પત્ની કંકુબેન હેમંતભાઇ સારલા જાતે કોળી ઉ.વ.૩૮ રહે. હીટરનગર-ર, દાણ ડેરી થાનગઢ વાળાની યુકત-પ્રયુકિતથી પુછપરછ હાથ ધરવામાં આવેલ. તેણી દ્વારા પ્રથમ તો પોતાનો બચાવ કરવા સારૂ બનાવ કેવી રીતે બનેલ? કોણે બનાવને અંજામ આપેલ હશે ? તે અંગે કોઇ હકીકત જાણતી નથી કે બનાવ બાબતે કોઇના પર શક વહેમ નથી એમ જણાવેલ. પરંતુ મજકુરની સધન, સતત અને ઉડાણપુર્વકની પુછપરછના અંતે તેણી ભાંગી પડેલ અને મરણ જનાર દારૂ પીવાનુ કુટેવ ધરાવતો હોય, અવાર નવાર દારૂ પી મારકુટ કરતો હોય, અને બનાવની રાત્રીએ પણ દારૂ પી ઘરે આવી મને માર મારેલ હોય જેથી તેના કાયમી ત્રાસથી કંટાળી જઇ, માર સહન નહી થતા આવેશમાં આવી જઇ મરણજનારને નીંદ્રાધીન અવસ્થામાં જ માથાના ભાગે પથ્થરનો ઘા મારી, કપાળ તથા ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી લાશને ઢસડી પોતાના ફળીયા બહાર લઇ જઇ શેરીમાં મુકી દીધેલ હોવાની કબુલાત આપેલ. જેથી ઉપરોકત અ.મોતનો બનાવ ખુનનો બનાવ હોવા અંગેનો ગુન્હો પ્રથમથી જ ડીટેકટ કરી મરણજનારના પરીવારજનની ફરીયાદના આધારે આરોપી બહેન વિરૂધ્ધ થાનગઢ ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ હતી.

સદર ગુન્હો ખુનનો હોય, જેથી થાનગઢ કોર્ટ દ્વારા ગુન્હો કમીટ કરી ઇન્સાફી કાર્યવાહી સારૂ  ડીસ્ટીક સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર તરફ મોકલી આપવામાં આવતા ડીસ્ટીક સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર દ્વારા સદર ગુન્હાની ઇન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ. આરોપી બહેન દ્વારા ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન રેગ્યુલર જામીનમુકત થવા અરજી કરવામાં આવેલ. પરંતુ પડેલ પુરાવા આધારે નામ.કોર્ટ દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીને જામીનમુકત નહી કરી, અંડરટ્રાયલ પ્રોસીકયુશન શરૂ રાખવામાં આવેલ. નામ.શેસન્સ કોર્ટમાં સરકારી વકીલશ્રી પી.જી.રાવલ દ્વારા સદર ઇન્સાફી કાર્યવાહી શરૂ રાખી, ગુન્હાના ન્યાયિક પંચો તથા લાગતા વળગતા સાહેદોની જુબાની નોંધી, પી.એમ. કરનાર ડો.શ્રી તથા એફ.એસ.એલ અધિકારીશ્રીની જુબાની નોંધી સાયન્ટીફીક પુરાવા લેવામાં આવેલ. શેસન્સ કોર્ટ દ્વારા સદર ગુન્હાની તપાસ કરનાર શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટરની ઇન્વેસ્ટીગેશન ઓફીસર તરીકેની જુબાની નોંધતા આઇ.ઓ દ્વારા સદર ગુન્હાની શરૂઆતથી આરોપી વિરૂધ્ધ કોર્ટમાં કરેલ ચાર્જશીટ સુધીની કાર્યવાહીની, તપાસ દરમ્યાન એકત્રિત કરેલ સચોટ અને સ્પષ્ટ પુરાવાની, તેમજ આરોપી બહેનની ગુન્હાહિત વર્તણુંક અંગેની સચોટ હકીકત નામ.કોર્ટમાં પુરાવારૂપે રજુ કરવામાં આવેલ. આરોપીના વિદ્વાન વકીલશ્રીની ઉલટતપાસમાં પણ ઇન્વેસ્ટીગેશન બાબતે 'વિરૂધ્ધની કોઇ હકીકત' ઉજાગર થયેલ નહી. આઇ.ઓ.ની ઉંડાણપુર્વકની સ્પષ્ટ અને પુરાવા સહિતની તપાસ તથા સરકારી વકીલશ્રી પી.જી.રાવલ સા.ની ધારદાર દલીલોના અંતે સદર ખુનનો ગુન્હો આરોપી બહેને નિશંકપણે કરેલ હોવાનુ પુરવાર થતા શ્રી. એસ.વી.પિન્ટો સાહેબ નામ.ડીસ્ટીક સેશન્સ કોર્ટ જજ સુરેન્દ્રનગર દ્વારા આરોપી બહેનને ઇ.પી.કો કલમ-૩૦૨ મુજબનો ગુન્હો કર્યા અંગે આજીવન કેદની શિક્ષા તથા રૂ.૧૦,૦૦૦/- નો દંડ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો કર્યા અંગે ૬ માસની કેદની શિક્ષા તથા રૂ.૧૦૦૦/- નો દંડ કરતો હુકમ જાહેર કરવામા આવેલ છે.

આમ ઇન્વેસ્ટીગેશન ઓફીસર પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ દ્વારા ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હાની ઉંડાણપુર્વકની તપાસ કરી, સચોટ પુરાવા એકત્ર કરી, પુરતા પુરાવા સાથે ચાર્જશીટ રજુ કરતા શ્રી. એસ.વી.પિન્ટો ડીસ્ટીક સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગરનાઓ દ્વારા ન્યાયિક કાર્યવાહી હાથ ધરી, સરકારી વકીલશ્રીની દલીલો તથા રજુ થયેલ સચોટ પુરાવા આધારે આરોપીની ગુન્હાહિત ભુમિકાને ધ્યાને લઇ સમાજમાં દાખલો બેસે તેવી આજીવન કેદની શિક્ષા તથા દંડનો હુકમ કરવામાં આવેલ છે.

(1:04 pm IST)