સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

ધ્રોલના માનસરમાં મેટોડાના તેજસ ડાભીને સાસરિયાઓએ ધોકાવી કેરોસીન છાંટ્યું

સાળાનો લગ્ન પ્રસંગ પત્યા બાદ પત્નિએ ઘરે આવવાની ના પાડતાં ચડભડ થતાં હુમલોઃ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૭: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૨માં રહેતાં તેજસ બટુકભાઇ ડાભી (ઉ.વ.૨૬)ને તે ધ્રોલના માનસર ગામે પોતાના સસરાના ઘરે હતો ત્યારે સાસરિયાએ ધોલધપાટ કરી કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. સાસરિયાએ પોતાના પર કેરોસીન છાંટ્યાનો આક્ષેપ પણ તેણે કર્યો હતો.

તેજસના કહેવા મુજબ પોતે મજુરી કામ કરે છે. તેના લગ્ન માનસરની માધુરી સાથે છ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. સાળા કલ્પેશના લગ્ન હોઇ પોતે માનસર પત્નિ, સંતાનો સાથે ગયો હતો. લગ્ન પુરા થઇ જતાં પત્નિને પરત પોતાની સાથે આવવાનું કહેતાં તેણીએ ના પાડતાં ચડભડ થઇ હતી. આ કારણે દાદીજી સાસુ, સાળીઓ, સાળા, સસરા સહિતે મળી ધોકાથી ધોલધપાટ કરી હતી અને કેરોસીન ઉડાડ્યું હતું. પોતાનો પાસપોર્ટ, રોકડ, આધારકાર્ડ સહિતની ચીજવસ્તુઓ પણ ત્યાં પડી ગયાનું તેણે કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ ધ્રોલ પોલીસને એન્ટ્રી નોંધાવી હતી.

(12:05 pm IST)