સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

જસદણના ભાડલા જીલ્લા પંચાયતની ટીકીટ ન મળતાં કોંગ્રેસ મહામંત્રી હસમુખ સોસાનુ રાજીનામુઃ ભાજપમાં જોડાયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૭: જસદણ તાલુકામાં રાજકોટ જીલ્લા પંચાયતની ભાડલા બેઠક માટે ટીકીટ નહી મળતા જીલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા જસદણનું રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ભગવો ધારણ કરી ભાડલા સીટના જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું.

રાજકોટ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી હસમુખભાઈ કડવાભાઈ સોસાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા જસદણનું રાજકારણ ગરમાયું હતું. આ અંગે હસમુખભાઈ કડવાભાઈ સોસાએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે રાજીનામું આપ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસ સાથે કાર્યકર તરીકે ફરજ બજાવી હતી. પરંતુ ગુજરાત રાજયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જસદણ તાલુકાના ભાડલા સીટના જીલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ટીકીટ ન મળતા તેમજ યોગ્ય વ્યકિતને ટીકીટ ન આપતા તા.૧૪ ના રોજ રાજકોટ જીલ્લા પ્રમુખને રાજીનામું ધરી છે હસમુખભાઈ સોસાએ રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે રાજીનામું ધરી દેતા જસદણનું રાજકારણ ગરમાયું હતું તેમજ ભાડલા જીલ્લા પંચાયત બેઠકમાં યોગ્ય રીતે ટીકીટ ન મળતા નારાજગીના લીધે રાજીનામું આપ્યું હોવાની વાત દોહરાવી હતી. આ બાબતને લઈને કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો અને ભાડલા સીટના જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ મેરને સારી લીડથી જીતાડવા રાત-દિવસ મહેનત કરવી પડશે તો કરીશું તેવું અંતમાં જણાવ્યું હતું.

(10:07 am IST)