સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

સુરેન્‍દ્રનગરના મુળીમાં કોમી એકેતાનું અનોખું ઉદાહરણ સામે આવ્‍યું

રામનું નામ સાથે મુસ્‍લિમ યુવકે ૩પ૦૦૦ હનુમાનજીની પ્રતિમા સ્‍ટીકર ભેટમાં આપ્‍યા : હનુમાનજીથી પ્રભાવિત મુસ્‍લીમ યુવક હનુમાનજીનો ભકત બની ગયો છે.

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં મૂળીમાં આવેલા ભીંડીપા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ યુવકે કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસ્લિમ યુવક તેના ઘરેમાં હનુમાનજીના ફોટાની પૂજા કરી રહ્યો છે. આ યુવક 'એક બનો, નેક બનોના સંદેશા સાથે લોકોને એક સાથે એકતાથી હળી મળીને રહેવાની સાલાહ આપી રહ્યો છે. આ યુવક હનુમાનજીની રામ ભક્તિથી એટલો પ્રેરિત થયો કે, તે મુસ્લિમ હોવા છતાં પણ હનુમાન ભક્ત બની ગયો અને તેને અત્યારસુધીમાં છેલ્લા 5 વર્ષમાં 35 હજાર કરતા વધુ હનુમાનજીની મૂર્તિ અને સ્ટીકર લોકોને ભેટમાં આપ્યા છે. મહત્ત્વની વાત છે કે, આ યુવક અનાજ દળવાની ઘંટી ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવતો હોવા છતાં પણ લોકોને ફ્રીમાં હનુમાનજીની મૂર્તિ અને સ્ટીકર આપી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગરમાં મૂળીમાં આવેલા ભીંડીપા વિસ્તારમાં ઇમરાન નામનો મુસ્લિમ યુવક મોરારી બાપુની કથા સાંભળીને હનુમાનજીની રામ ભક્તિ જોઈને પ્રેરિત થયો હતો. તેથી તે પણ રામ નામનું ભજન કરવા લાગ્યો. ઈમરાને પોતાના ઘરમાં હનુમાનજીનો ફોટો લગાવ્યો છે. ઈમરાને છેલ્લા 5 વર્ષમાં રામ ભક્તિમાં રંગાઈને 35 હજારથી વધારે હનુમાનજીની પ્રતિમા અને સ્ટીકર લોકોને ફ્રીમાં આપ્યા છે. ઇમરાનની રામ ભક્તિ જોઈને મોરારી બાપુ પણ તેના ઘરની મુલાકાત લઇ ચૂક્યા છે. તો બીજ તરફ સુરતના દર વર્ષે યોજાતા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપીને સન્માનિત કરવામાં આવે છે.

આ બાબતે ઇમરાન કગથરાનું કહેવું છે કે, તેને આ કાર્ય તેના મિત્ર હાર્દિક વસવેલીયાના સહકારથી પૂર્ણ કર્યું છે. મને આ કાર્ય કરવા માટે પરિવારના સભ્યોનો પણ પૂરો સહકાર મળી રહ્યો છે. સારું અને સામાજિક કરવા માટે તો ક્યારેક લોકોને કડવા વચન પણ સાંભળવા પડે અને લોકો મ્હેણાં પણ બોલતા હોય છે. ઈમરાને વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉનમાં લોકોના ધંધા બંધ થવાના કારણે ઘણા લોકોની હાલત દયનીય બની ગઈ હતી. તે સમયે 100 કરતા વધુ પરિવારના સભ્યોને અને સાધુ-સંતોને અનાજની કીટ આપીને સેવા કરી હતી. સારું કામ કરવા માટે ભલે લોકોના મ્હેણાં સાંભળવા પડે પણ સારા કાર્ય કરવાનું જે વ્યક્તિ ધારે છે તેને આ બધું સામાન્ય લાગે છે.

(10:21 pm IST)