સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th December 2021

જેતપુરમાં કાલે પૂ. કૃષ્ણકુમારજીના સાનિધ્યમાં પુરૂષોતમ હવેલી ખાતે અન્નકુટ મહોત્સવ ઉજવાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૬ :.. શહેરના સુદામાનગર વિસ્તારમાં આવેલ શ્રી પુરૂષોતમધામ હવેલીના નીર્માણથી વૈશ્ણવોમાં ભારે ઉત્સાહ અને શ્રધ્ધાની લાગણી હોય બહોળી સંખ્યામાં નજીકના તમામ વિસ્તારોના લોકો દર્શનાર્થે આવે છે. સમયાંતરે ઉત્સવો પણ ભવ્ય રીતે ઉજવાતા હોય વૈશ્ણવચાર્ય પૂ. કૃષ્ણકુમારજી મહોદયની ઉપસ્થિતીથી વૈશ્ણવો ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમટી પડે છે.

આવતીકાલ તા. ૧૭ શુક્રવારના રોજ ઠાકોરજીને અન્નકુટ ધરાવવાનો મહોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાશે. પૂ. કૃષ્ણકુમારજી મહોદયના સાનિધ્યમાં અન્નકુટની તડામાર તૈયારીઓ થઇ રહી છે.

ઠાકોરજીને ધરાવવાની સામગ્રી સિધ્ધ કરાઇ છે. આ અન્નકુટ અંગે માહિતી આપતા શ્રી આશ્રયકુમારજીએ જણાવેલ કે ભવ્ય અન્નકુટ મહોત્સવ એટલે આખા વર્ષની સેવાનો મનોરથ આખા વર્ષનો સૌથી મોટો ઉત્સવ એટલે અન્નકુટ ઉત્સવ શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે ગોવર્ધન યાગ કર્યો હતો. અને વ્રજવાસીઓ તેમાં જોડાયા અને ઘણી બધી સામગ્રી તૈયાર કરી એટલી બધી સામગ્રી તૈયાર થઇ ગઇ કે આખા ગીરીરાજજી સામગ્રીમાં ઢંકાઇ ગયા. અને એ જ ભાવથી આજના સમયમાં પુષ્ટી માર્ગીય હવેલીમાં અન્નકુટ થાય છે. જેમાં દૂધ ઘર, અન્ન સખડી, સખડીની સામગ્રી પ્રભુ આરોગે છે. વિશેષરૂપમાં સખડીના ગીરીરાજજી સિધ્ધ થાય અને તેમાં પાંચ શીખર ધરાવામાં આવે છે. આ દિવસે સવારે ગોવર્ધન પુજા કરવામાં આવે છે. એક દિવસ પહેલા કાન જગાઇ હોય છે. જેમાં ગાયોનું પૂજન કરાય છે.

શ્રી પુરૂષોતમધામ હવેલી ખાતે આવતીકાલે સવારે ગોવર્ધન પુજા અને સાંજે વૈશ્ણવાચાર્યના વચના મૃત બાદ અન્નકુટના દર્શન ખુલ્લા મુકાશે જેનો લાભ લેવા જયેશભાઇ રાદડીયા, જસુમતીબેન કોરાટ સહિતના શહેરના અગ્રણીઓ પધારશે.

(1:07 pm IST)