સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

૧૩૫ વર્ષે પૂર્વે તપસ્વી પૂ.માણેકચંદ્રજી મ.સા.એ આસમડુંગર ખાતે ૧ મહિનો સાધના કરી હતી

જયારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે તમારી શકિત વધે છેઃ પૂ.પારસમુનિ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રીજગદીશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. સાધના અર્થે પાટણવાવ ઓસમ ડુંગર ખાતે ત્રણ દિવસની સાધના માટે પધારેલ. રાત્રિ- દિવસ ડુંગર પર જ નિવાસ કરેલ.

૧૩૫ વર્ષ પૂર્ણ તપસ્વી પૂ.માણેકચંદ્રજી મ.સાહેબે ઓસમ ડુંગર પર એક મહિનો રહીને સાધના કરેલ. તેમજ તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા. જેમને ગોંડલ સંપ્રદાયના કૂળદેવી કહીને સંબોધતા તેવા પૂ.ધનકુંવરબાઈ મ.સ. તેર મહિના પાટણવાવમાં સ્થિર રહ્યા અને રોજ સવારે ડુંગર પર જઈને સાધના કરતા સાંજે તળેટીમાં પધારી જતા યતિ દિવ્યાનંદજીએ ઓસમ ડુંગરને પોતાની તપોભૂમિ બનાવેલ.

ઓસમ ડુંગરએ હિંડબાવન છે. જયાં ભીમની થાળી, હિડંબાનો હિંચકો, ભીમનો કોઠો છે. તેમજ બ્રહ્મ ક્ષત્રિય આદિ પરિવારોના કુળદેવીનું સ્થાન છે. જે માત્રી માતાના મંદિર તરીકે પ્રખ્યાત છે. અત્રિ ઋષિ પણ આ પર્વત પર આવેલ. તેમજ કોઠારી કુટુંબના સુરધન દેવશીબાપાનું સ્થાન પણ છે. યોગાનુયોગ કોઠારી કુટુંબનું સંમેલન પણ યોજાયેલ. જેમાં ગોંડલ, જેતપુર, રાજકોટ, મુંબઈ, કલકતા વગેરે ક્ષેત્રોમાંથી કોઠારી કુટુંબના સદસ્યો આવેલ. પૂ.ગુરૂદેવ તથા માત્રીમાતા સંસ્થાપનના મહંતશ્રી ભગતબાપુની ઉપસ્થિતિમાં કોઠારી કુટુંબ દ્વારા નિર્મિત રૂમોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. તે સમયે પૂ.ગુરૂદેવે સર્વને આશિષ આપેલ અને જણાવેલ કે તસ્વીરમાં સાથે રહો, તેમ દરેકની તકલીફોમાં પણ સદા સંગાથે રહેજો. ભાગ્ય ભોગવવાના ભવો ઘણા છે. પણ ભાગ્ય ઘડવાનો ભવ આ એક જ છે. જયારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તમારી હિંમત વધે છે, જયારે તમને કોઈ પ્રેમ કરે છે, ત્યારે તમારી શકિત વધે છે. અસ્તિત્વ પર અનેક પ્રહારો થાય છે. પછી એક વ્યકિત તૈયાર થાય છે. પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં, પગથિયુ બનીને ઠેસ પહોંચાડજો. સમગ્ર કોઠારી પરિવાર પ્રેમ, વાત્સલ્ય, સંપ, ઐકયતાના ભાવથી સદૈવ જોડાયેલ રહે તેવી સ્પંદના હૃદયપૂર્વક આપેલ.

ઓસમ ડુંગર પર દિવ્ય સાધનાઓ ત્રણ દિવસ કરી સાત્વિક શકિતઓ આત્મસાત કરી પૂ.ગુરૂદેવ જયારે ઓસમ ડુંગર પરથી નીચે પધાર્યા ત્યારે સકલ કોઠારી કુટુંબે 'ગુરૂદેવ અમારો આંતરનાદ, અમને આપો આશિર્વાદ'ના નાદ કરતા વાતાવરણ જાણે ગુરૂદેવની દિવ્ય- શકિતમય બની ગયુ હતું.

પૂ.ગુરૂદેવે માંગલિક ફરમાવતા સર્વ મહામાંગલિકથી અભિભૂત બન્યા. તપસ્વી  પૂ.માણેકચંદજી મ.સા. પછી પૂ.ગુરૂદેવ પારસમુનિ મ.સા. પ્રથમ સંત છે જેમણે ઓસમડુંગર પર ત્રિદિવસીય સાધના કરી. ઓસમ ડુંગર દિવ્ય શકિતઓનો ભંડાર છે. ત્યાં રાત્રિવાસ કરી ગુરૂદેવે પોતાની સાધના સંપન્ન કરી. આજથી પાટણવાવથી જેતપુર તપસ્વી પૂ.માણેકચંદ્રજી સ્વામીના સમાધિ સ્થાન તપસીજીની ઓરડીએ પધારશે.

તા.૧૭/૧૨ના ખોડલધામ, તા.૧૮/૧૨ના રોજ ગોમટા ગાદિપતિ પૂ.શ્રી ગિરિશચંદ્રજી સ્વામીની જન્મભૂમિ પર પધારશે. તા.૧૯ના સવારે જૈનવિદ્યાલય ગોંડલ પધારશે. ત્યાં વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓને સંબોધશે. બપોરે ઝાટકીયા હોસ્પિટલ, સ્ટેશન પ્લોટ, ગોંડલ તા.૨૦ના ઝાટકીયા હોસ્પિટલથી દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય- ગોંડલ પધારશે.

ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારીની યાદીમાં જણાવ્યુ છે કે નૂતન જયવિજય પુણ્યતિથિ મહોત્સવ, પૂ.જયાબાઈ મહાસતીજીની ૨૦મી પુણ્યતિથિ, માં સ્વામી પૂ.વિજયાબાઈ મ.સ.ની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ તથા મહામંત્ર પ્રભાવક પૂ.સદ્દગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ની તૃતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ગુણાંજલી, સ્મરણાંજલી પૂ.પારસમુનિ મ.સા. આદિ સંત- સતીજીના સાનિધ્યે રાખવામાં આવેલ છે.

(1:10 pm IST)