સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

અમરેલીમાં ખેલમહાકુંભના ૩૫૪૬ વિજેતાને મંત્રી જાડેજાના હસ્તે રૂ.૫૫ લાખના પુરસ્કારો અપાયા

અમરેલી,તા.૧૬:રમતગમત ક્ષેત્રે ખેલાડીઓમાં રહેલી પ્રતીભાને નિખારવા રાજય સરકાર દ્વારા ખેલમહાકુંભનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ખેલમહાકુંભ ૨૦૧૯માં  વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર ઈનામ વિતરણ કાર્યક્રમ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગજેરા સંકુલ અમરેલી ખાતે આજે યોજાયો હતો. ખેલમહાકુંભ ૨૦૧૯માં જિલ્લાના ૩૫૪૬ જેટલા વિજેતા ખેલાડીઓને રૂ. ૫૫.૩૮ લાખથી વધુના રોકડ પુરસ્કારના નાણાં સીધાજ તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહયા છે.  

આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગુજરાતમાં રમતવીરોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૧૦ થી દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં  આવી રહયું છે. રમતો એ સામાજિક અને સાંસ્કૃતિક સરહદોને  સેતુ રૂપે જોડીને રાષ્ટ્રની એકતા માટે મદદરૂપ થાય છે. જયારે એક રમત રમાતી હોય ત્યારે ટીમમાં અલગ અલગ સમુદાયના ખેલાડીઓ હોવા છતાં એક લક્ષ્ય હાંસલ કરવા માટે સજોડે મહેનત કરે છે જે આપણા નૈતિક જીવન માં પણ ખબ જ જરૂરી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લાના સર્વ આગેવાનશ્રીઓ હિરેનભાઈ હિરપરા, કૌશિક વેકરીયા, મયુરભાઈ હિરપરા, કમલેશભાઈ કાનાણી તથા જિલ્લા રમત ગમત વિભાગ ના અધિકારીશ્રી વી.બી.પરમાર, અશરફ કુરેશી તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:58 am IST)